January 31, 2025

દક્ષિણ સુદાનમાં ચીનની ઓઈલ કંપનીનું પ્લેન ક્રેશ, દુર્ઘટનામાં 20 લોકોના મોત; 1નો ચમત્કારિક રીતે બચાવ

South Sudan Plane Crash: દક્ષિણ સુદાનના યુનિટી રાજ્યમાં તેલ ક્ષેત્રના એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે તેલ કામદારોને લઈ જતું એક નાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક ભારતીય પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 21 લોકો સવાર હતા, જેમાંથી ચમત્કારિક રીતે ફક્ત એક જ મુસાફર બચી ગયો. આ વિમાન ચીની તેલ કંપની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપની સાથે સંકળાયેલું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ સુદાનના યુનિટી રાજ્યમાં એક તેલ ક્ષેત્ર પાસે ઉડાન ભરતી વખતે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાન દક્ષિણ સુદાનની રાજધાની જુબા જઈ રહ્યું હતું. માહિતી મંત્રી ગટવેચ બિપાલે જણાવ્યું હતું કે વિમાનમાં 21 લોકો સવાર હતા. આમાં બે પાઇલટનો પણ સમાવેશ થતો હતો. અહેવાલો અનુસાર વિમાનમાં સવાર મોટાભાગના લોકો તેલ કંપનીના કર્મચારીઓ હતા. માર્યા ગયેલાઓમાં બે ચીની નાગરિકો અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમેરિકામાં થયેલા વિમાન-હેલિકોપ્ટર ક્રેશની ઘટના પાછળ મોટું ષડયંત્ર! ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ

દક્ષિણ સુદાનના તેલ મંત્રી પુઓટકાંગ ચોલે પત્રકારો સાથે વાત કરતા આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ સાલ્વા કીરે પરિવહન મંત્રાલયને ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે આ અકસ્માત ફક્ત સમગ્ર દેશ માટે જ નહીં પરંતુ તેલ ઉદ્યોગ માટે પણ મોટો ફટકો છે.