April 8, 2025

પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘુ?, સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં કર્યો વધારો

Excise duty: કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. નવા દરો મધ્યરાત્રિ 12 વાગ્યાથી અમલમાં આવશે. નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે સોમવારે સવારે શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો હતો.શેરબજારમાં સેન્સેક્સ ત્રણ હજાર પોઈન્ટથી વધુ ઘટ્યો હતો.

સોમવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જોકે, આ આદેશમાં એ જણાવવામાં આવ્યું નથી કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર શું અસર પડશે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવા છતાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો થવાની આશા હતી પરંતુ હવે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે આવું થવાની શક્યતા ઘટી ગઈ છે.