ડાંગના સુબીર તાલુકામાં લોકોને પાણી માટે સંઘર્ષ, યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન બની રહી

ડાંગ: જિલ્લાના સુબીર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. અહીંયા સરકાર દ્વારા યોજના તો બનાવવા આવી છે, પરંતુ આ યોજના માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન રહેવા પામી છે.
ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને ચોમાસામાં આ જિલ્લામાં ભરપૂર વરસાદ વરસતો હોય છે. તેમ છતાં આ જિલ્લાના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબિર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, સુબીરના હડોળ ગામમાં સરકારની નળ સે જળ યોજના મુજબ પાઇપલાઈન નાખવામાં આવી છે, પરંતુ આ યોજના શોભાના ગાઠીયા સમાન પુરવાર થઇ રહી છે. આ યોજન હેઠળ કોઈના ઘર સુધી પાણી પહોંચતું નથી.
ગામમાં વાસમો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી, જેથી ગામની બહાર આવેલ કૂવામાં મહિલાઓએ ઘરના કામો પડતા મૂકી બેડા લઇને પાણી લેવા જવું પડે છે. ધોમધકતો તાપ હોય કે વરસાદ આજ પ્રમાણે ગામના લોકો કૂવામાં પાણી લેવા મજબૂર છે. કુવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે. મહિલાઓ પાણી મેળવવાના ચક્કરમાં બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી.
સુબીર તાલુકામાં માત્ર એકજ ગામમાં નહિ પણ તાલુકાના મોટા ભાગના ગામોમાં આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કરવાળા ઊંચા ભાવે પાણી વેચી રહ્યા છે, મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા હોય છતાં ક્યારેક આવું પાણી વેચાતું લેવું પડે છે. પાણીની સમસ્યાને લઈને ગામમાં પશુપાલન પણ ઓછું થઈ રહ્યું છે. હવે યુવાનોની ધીરજ ખૂટી છે. તેઓ ચૂંટાયેલા નેતાઓ ઉપર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.
સરકાર આદિવાસી અને આદિવાસી વિસ્તારમા વિકાસની મોટી મોટી વાતો તો કરે છે, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. સાથે જ સરકારની યોજનાઓ પણ માત્ર કાગળ પર જ હોવાનું લાગી રહ્યું છે.