June 28, 2024

વાવાઝોડા સાથેના વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, ઉભા પાક પર પાણી ફરી વળ્યું

ભાવેશ ભોજક, પાટણઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં મોટુ નુકસાન થવા પામ્યું છે. ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાતા ખેતરમાં ઉભેલો પાક જમીન પર ઢળી પડતા ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાવા પામ્યો છે.

પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચા કરી ઉનાળુ પાકનું વાવેતર કર્યું અને જ્યારે પાક તૈયાર થવા આવ્યો તેવામાં કુદરત રૂઠતા ગત રોજ સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ થતા ખેતરમાં ઉભો પાક બાજરી, ઘાસચારો, લચકા બાજરી સહિતનો પાક જમીન પર ઢળી પડ્યો હતો. જેને લઇને ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.

આ પણ વાંચોઃ નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો

પાક વાવેતર પર મોંઘા ભાવની ખેડ, ખાતર, બિયારણ સહિત કાળી મજૂરી કરી પાક વાવેતર કર્યું હતું. પરંતુ કુદરતના માર સામે ખેડૂત માત્ર લાચાર બની રહેવા પામ્યો છે અને આંખ સામે નુકસાનના દ્રશ્યો જોઈ દુઃખી જોવા મળ્યો હતો.

પાટણ જિલ્લામાં સમી, હારીજ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના તાલુકામાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાતા અને ત્યારબાદ વરસેલા ધોધમાર કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને ઉનાળુ બાજરી, ઘાસચારો સહિતનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો હતો. જો કે, વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા ખેડૂતોમાં નિરાશા સાંપડી છે અને સરકાર દ્વારા નુકસાનનું સર્વે કરી ખેડૂતો સહાયની માગ કરી રહ્યા છે.