ચાલુ પરીક્ષાએ વાયરલ થયેલા વીડિયો બાબતે, બંને વિદ્યાર્થીઓ સહિત ખંડ નિરીક્ષક સામે કાર્યવાહી

ભાવેશ ભોજક, પાટણઃ આજના યુવાનો માટે અને એમ પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યૂઅર્સ અને ફોલોઅર્સ વધારવાની લ્હાયમાં ન કરવાનું કરી બેસતા હોય છે. તેવા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સમીની બાસ્પા કોલેજમાં ચાલુ પરીક્ષાએ વીડિયો ઉતારી વાયરલ કરવા બાબતે કોલેજે બંને વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષમાં પરીક્ષામાં નહીં બેસવા દેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ વર્ગ નિરીક્ષક પાસેથી પણ પરીક્ષામાં મોબાઇલ કઈ રીતે પહોંચ્યો તે માટેનો ખુલાસો પૂછ્યો છે.
પાટણના બાસપા ગામમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા ચાલુ પરીક્ષાનો વીડિયો બનાવી વાયરલ કરતા કોલેજ સામે સવાલો ઊભા થયા છે. બીજી તરફ સમગ્ર બાબતને લઈ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા હતા અને ખંડ નિરીક્ષકથી લઈ વીડિયો વાયરલ કરનારા વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવા કવાયત શરૂ કરી છે.
કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે, આ બાબતે પરીક્ષા વર્ગ નિરીક્ષકને નોટિસ આપી આ અંગેનો ખુલાસો પૂછ્યો છે અને યોગ્ય ખુલાસો નહીં હોય તો તેમને બરતરફ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ વાયરલ કરેલા વીડિયોમાં કોઈ જગ્યાએ ચોરી થતી હોય તેવું સામે નથી આવ્યું, પણ જે વીડિયો વાયરલ કર્યો છે તે ખરેખર અયોગ્ય છે. આ બાબતે કોલેજ દ્વારા બંને વિદ્યાર્થીઓને નોટિસ આપી તેમને 2025-26ના વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અંગેનો સમગ્ર અહેવાલ યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવશે.
અહીંયા જે વિદ્યાર્થીએ વીડિયો બનાવ્યો તેના જણાવ્યા મુજબ તેણે વીડિઓ બનાવી સ્ટેટ્સ પર મૂક્યો હતો અને તે વીડિયો કોઈએ ડાઉનલોડ કરી વાયરલ કર્યો હોવાનું કારણ ધર્યું છે. પોતે નાદાનીમાં આ પ્રકારનો વીડિયો બનાવ્યો હોવાનું કારણ આપ્યું છે. બીજી તરફ આ વિદ્યાર્થીના વાલી પણ બાળકની થયેલી ભૂલને લઈને પસ્તાઈ રહ્યા છે.