November 10, 2024

પાટણ પાલિકાની નવી એપ લોન્ચ; કોઈપણ ફરિયાદનો 48 કલાકમાં ઉકેલ લાવશે!

ભાવેશ ભોજક, પાટણઃ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છતા બારકોડ એપ લોન્ચ કરી છે. તેના સ્ટીકરો શહેરની જાહેર જગ્યાઓ અને ટ્રાન્સપોર્ટેશનના વાહનો ઉપર ચોંટાડી શહેરીજનોને સ્વચ્છતા અંગેની સમસ્યાઓ અંગે આ એપનો ઉપયોગ કરવા અપીલ કરી છે. આ સાથે જ નગરપાલિકાના આ અભિયાનમાં શહેરીજનો પણ સાથ સહકાર આપે એવી અપીલ પણ પાલિકા પ્રમુખે કરી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ નગર સ્વચ્છ અને સ્વસ્થ બની રહે તે માટે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા બારકોડ એપ કાર્યરત કરી છે. તેનાથી શહેરીજનોના વિસ્તારની સ્વચ્છતા સહિતની તમામ સમસ્યાઓની ફરિયાદ આ 12 કોડ સ્કેનરથી ફોટા સાથે કરી શકશે. તેની સીધી એન્ટ્રી નગરપાલિકાના કમ્પ્યુટરમાં ઓનલાઇન થશે. આ એન્ટ્રીને આધારે નગરપાલિકાના વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા એ સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ કરશે. ત્યારે આજે પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના કોર્પોરેટરોએ શહેરના બગવાડા દરવાજામાં આ 12 કોડ એપને વિધિવત રીતે ખુલ્લી મૂકી હતી. શહેરીજનો આ અંગેની વિશેષ જાણકારી મેળવી શકે તે માટે સ્ટીકરો શહેરના જાહેર વિવિધ સ્થળો અને ટ્રાન્સપોર્ટેશનના વાહનો ઉપર લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 110 અધિકારીઓને એવોર્ડ મળશે

નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ એપથી શહેરીજનો સ્વચ્છતા અંગે, ભૂગર્ભ ગટરની સમસ્યાઓ અંગે, માર્ગ ઉપર રેલાતા દૂષિત પાણી અંગે તેમજ પીવાના પાણી અંગેની સમસ્યાઓની ફરિયાદો કરી શકશે. તેનો ત્વરિત નિકાલ કરવામાં આવશે. આ સાથે જ પાટણને સ્વચ્છ રાખવા માટે શહેરીજનો પણ નગરપાલિકાને સહયોગ આપે તેવી અપીલ પાલિકા પ્રમુખે કરી હતી. પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બારકોડ એપ લોન્ચ કરી છે. જેના થકી સ્વચ્છતાની કામગીરી સરળ થશે આ બાબતે સ્વચ્છતા ચેરમેન હરેશે જણાવ્યું હતું કે, શહેરમાંથી સ્વચ્છતા અંગેની આવતી સમસ્યાઓનું સ્વચ્છતા શાખા દ્વારા 48 કલાકમાં નિરાકરણ લાવવામાં આવશે.

પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા સહિતની સમસ્યાઓ માટે બારકોડ એપ લોન્ચ કરી તેના સ્ટીકરો જાહેર જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે. તેનાથી શહેરીજનોને હવે પછી કોઈપણ સમસ્યાઓ બાબતે નગરપાલિકામાં લેખિત રજૂઆતો માટે જવું નહીં પડે અને શહેરીજનો પોતપોતાના વિસ્તારની અલગ અલગ સમસ્યાઓ આ એપથી મોકલી શકશે. તેનું ત્વરિત નિરાકરણ નગરપાલિકા લાવશે જેથી શહીજનોને રાહત થશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 25 ટકા વરસાદ, ખેડૂતોમાં ચિંતા

પાટણ નગરપાલિકા દ્વારા ખુલ્લી મુકવામાં આવેલી સ્વચ્છતા એપ કામગીરી સામે સવાલો ઉઠાવી કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ગંદકી સહિતની અનેક સમસ્યાઓ છે. જેને લઈ શહેરીજનો રોજેરોજ નગરપાલિકામાં આવે છે અને રજૂઆતો કરે છે. રૂબરૂ કરવામાં આવેલી રજૂઆતો છતાં સમસ્યાઓ ઉકેલતી નથી. ત્યારે ઓનલાઇન આ એપથી સમસ્યાઓની ભરમાર સર્જાશે તો શું નગરપાલિકા એપ પર આવનાર તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે ખરી?’

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર ગટરો ઉભરાવવી, સ્વચ્છતાનો અભાવ, ગંદકી, પીવાનું પાણી દૂષિત અને અપૂરતું આવવું સહિતની અનેક સમસ્યાઓ ઉભી થયેલી છે. તેવા સમયે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બારકોડ એપ લોન્ચ કરવામાં આવી છે. જો પાલિકાના સત્તાધીશો સાચે જ કામગીરી કરવા ઈચ્છતા હોય તો આ એપ પર રજૂ થનાર ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવે તો સાચા અર્થમાં પાટણ શહેર સ્વચ્છ નગર બની રહેશે.