પાટણમાં સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સહિત ગ્રાન્ટેડ શાળાઓમાં 246 શિક્ષકોની ઘટ

ભાવેશ ભોજક, પાટણઃ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 246 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે. જેથી આ શાળાઓમાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ મળતું હશે તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે.

રાજ્ય સરકાર દ્વારા એકબાજુ શૈક્ષણિક માળખાને મજબૂત કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરાય અને ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટેના પ્રયાસો કરે છે. તો બીજી તરફ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં કુલ 246 શિક્ષકોની ખાલી જગ્યાઓ પડેલી છે. જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં 41 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 38 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. તથા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 55 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 59 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની 110 જગ્યાઓ પૈકી 57 જગ્યાઓમાં શિક્ષકોની ફાળવણી થઈ ગઈ છે. જેમને આગામી 9 માર્ચના રોજ નિમણૂકપત્રો જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા અપાશે.

આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારી માધ્યમિક શાળાઓમાં 41 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્યનો બદલી કેમ્પ બાકી છે. જેથી અન્ય જિલ્લાઓમાંથી શિક્ષકો આપણા જિલ્લામાં આવશે. તેનાથી આ જગ્યાઓ ભરાઈ જશે. તદુપરાંત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 38 શિક્ષકોની જગ્યા ખાલી છે. આ માટે સરકારે જાહેરાત આપી દીધી છે. તેની ટૂંક સમયમાં ભરતી કરાશે.