પાટણમાં વિદ્યાર્થીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો, વોટ્સએપ ગ્રુપના મેસેજથી ભાંડો ફૂટ્યો
પાટણઃ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ‘FY official boys 2024’ નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું.
ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ ગ્રુપમાં મેસેજ નાંખીને દરેક રૂમના વિદ્યાર્થીઓને એક રૂમમાં બોલાવીને રેગિંગ કરવામાં આવ્યું હતું. યુવકના મોત બાદ મહત્વના મેસેજ ડિલીટ કરી નાંખવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીના પિતાએ આ સમગ્ર મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડીવાયએસપીએ આ મામલે રેગિંગના આક્ષેપ અંગે કોલેજના સત્તાધીશો પાસેથી અહેવાલ મંગાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા તાલુકાના અનિલ મેથાણીયાનું રેગિંગના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જેને લઈને ધારપુર મેડિકલ કોલેજના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. આ બાબતે મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સિનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે 11 જેટલા જુનિયર અને 16 જેટલા સિનિયર વિદ્યાર્થીઓની વન બાય વન પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સિનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.