પાટણમાં કોંગ્રેસની ઓબ્ઝર્વેશન ટીમની મુલાકાત, અહેવાલ હાઇકમાન્ડને સોંપશે

ભાવેશ ભોજક, પાટણઃ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ સંગઠનને ગતિશીલ બનાવી સક્રિયતા લાવવા માટે હાથ ધરાયેલા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આજે પાટણ ખાતે AICCના સેક્રેટરી અને પાટણ જિલ્લા ઓબ્ઝર્વર સુરજ હેગડેની નિશ્રામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સંગઠનના પ્રમુખની કામગીરી કેવી છે તે બાબતે સંગઠનના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.
આ રજૂઆતો સાંભળ્યા બાદ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબતે જે-તે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં એઆઈસીસીના સેક્રેટરી તેમજ પાટણ જિલ્લાના સુરજ હેગડેએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. સંગઠનને વધુ મજબૂત કરવા માટે રાહુલ ગાંધીની સુચનાથી અમે અહીંયા આવ્યા છીએ. દેશમાં કોંગ્રેસ જ બદલાવ લાવશે સ્વતંત્રતા કોંગ્રેસના કારણે જ મળી છે તો સંવિધાન પણ કોંગ્રેસના કારણે અસ્તિત્વમાં છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પાટણમાં દરેક આગેવાનો કાર્યકરોના મંતવ્યો મેળવ્યા છે. તમામ અહેવાલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ સંગઠન નિર્ણય લેશે. આ રજૂઆત પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, પાટણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ ચાણસ્મા ધારાસભ્ય ઉપસ્થિતિ રહ્યા હતા.