News 360
Breaking News

વઢિયાર પંથકમાં ખેડૂતોમાં રોષ, ટેકાના ભાવે ખરીદી માટે 14 દિવસથી સર્વર બંધ હોવાથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ઠપ

ભાવેશ ભોજક, પાટણઃ સરકાર દ્વારા ચાલુ વર્ષે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા ગ્રામ્ય કક્ષાએ પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. પરંતુ પાટણ જિલ્લાના વઢિયાર પંથકના કેટલાક ગામોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં સર્વર સતત ડાઉન હોવાને લઇ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. રવદ ગામમાં છેલ્લા 15 દિવસથી ખેડૂતો ઓનલાઇન એન્ટ્રી કરાવવામાં આવે છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે હજી સુધી એકપણ એન્ટ્રી પોર્ટલમાં થઈ નથી. જેથી ખેડૂતોને રોજ ધક્કા ખાઈને પાછા જવું પડે છે.

પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે. ત્યારે સરકાર દ્વારા ચાલુ વર્ષે ચણાની ટેકા ભાવે ખરીદીની જાહેરાત કરી છે. તારીખ 18 ફેબ્રુઆરીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ થવા પામ્યું છે અને તેના માટે ગામોમાં ગ્રામ પંચાયત ખાતે વીસીઇ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે. પરંતુ જ્યારથી ઓનલાઇન શરૂઆત થઇ છે, ત્યારથી આજ દિન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનનું સર્વર ડાઉન રહેતા જિલ્લાના સમી તાલુકાના રવદ સહિત ઘણા ગામોમાં આ પ્રકારની સમસ્યા ઉભી થવા પામી છે. જેને લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ખેડૂતોને ગ્રામપંચાયતમાં ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગામમાં 500 જેટલા ખેડૂત ખાતેદારો છે. વઢીયાર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ચણાનું વાવેતર કરે છે, પણ સરકાર દ્વારા જે ઓનલાઇન રજિસ્ટ્રેશનની કામગીરી ગ્રામ પંચાયતમાં શરૂ કરી છે, પણ હજી સુધી એકપણ ખેડૂતની એન્ટ્રી પોર્ટલમાં થઈ નથી. રોજે રોજ કલાકો સુધી સર્વર ચાલુ થશે તેની રાહ જોઈને બેસી રહેવું પડે છે અને છેવટે ધરમના ધક્કા ખાઈને પાછું જવું પડે છે.

આ અંગે વીસીઈએ જણાવ્યું હતું કે, કોમ્પ્યુટરમાં ખેડૂતની ડિટેલ દાખલ કર્યા બાદ પાક અને સિઝનનું સિલેક્શન થતું નથી, માત્ર રાજ્યનું સિલેક્શન થાય છે. આ બાબતે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ થવા પામી નથી. તેને કારણે ખેડૂતોને હલાકીઓ વેઠવી પડે છે. ત્યારે હવે સરકાર કે સ્થાનિક તંત્રના ધ્યાને આ બાબત ક્યારે આવે છે અને તેનો ઝડપી નિકાલ ક્યારે કરે છે તે તો જોવાનું રહ્યું.