પાટણના ભાજપના લોકસભા ઉમેદવારની મિલકત 5 વર્ષમાં 2.19 લાખ વધી
ભાવેશ ભોજક, પાટણઃ આ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે અને એફિડેવિટ રજૂ કર્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહની પાંચ વર્ષમાં 32 લાખ જંગમ અને 1.87 કરોડ સ્થાવર મિલકત વધી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સંપત્તિ બે વર્ષમાં 10.44 કરોડ વધી છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભમાં 12 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ત્યારે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ 16 એપ્રિલના રોડ ભવ્ય રોડ યોજી જિલ્લા કલેકટર અરવિંદ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિડ રજૂ કર્યું હતું. સાંસદ ભરત ડાભીએ તેમના ફોર્મમાં પાંચ વર્ષમાં તેમની જંગમ મિલકતમાં 32 લાખનો વધારો અને પત્નીની આવકમાં 10.90 લાખનો વધારો દર્શાવ્યો છે.
સ્થાવર મિલકતમાં 1.87 કરોડ તેમજ પત્નીની મિલકતમાં 76 લાખનો વધારો બતાવ્યો છે. પાટણ બેઠક ઉપર પ્રથમવાર સાંસદ બન્યા બાદ 45.44 લાખની મોંઘી બે લક્ઝુરિયસ ગાડીઓ ખરીદવામાં આવી છે. બીએ સુધીનો અભ્યાસ ધરાવતા ભરતસિંહ ડાભીની મુખ્ય આવક ખેતી અને સરકાર દ્વારા મળતા પગારભથ્થાં છે. વર્ષ 2024માં ભરતસિંહ ડાભીની જંગમ મિલકત 83.60 લાખ અને સ્થાવર મિલકત 3.73 કરોડ બતાવી છે. આ ઉપરાંત તેમની પત્નીના નામે પણ 19 લાખથી વધુ જંગમ મિલકત અને બે કરોડની સ્થાવર મિલકત છે.
ભરતસિંહ ડાભીની મિલકત
જંગમ – 83,60,019
સ્થાવર – 3,72,14000
ભરતસિંહ ડાભીની પત્નીની મિલકત
જંગમ – 19,06,030
સ્થાવર – 2,09,50,000
ભરતસિંહ ડાભી પાસે સોનાની ચેન, વીંટી સહિતના 2.76 લાખના ઘરેણા છે. જ્યારે તેમની પત્ની પાસે સોના અને ચાંદીના મળી કુલ 11.63 લાખના ઘરેણા હોવાની હકીકત એફિડેવિડમાં જણાવી છે.
પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પાસે મારુતિ વેગેનાર, વર્ના મોટરકાર, એક્ટિવા, પીકઅપ તેમજ મેસેજ ટ્રેક્ટર વાહનો છે. જ્યારે તેમની પત્ની પાસે ટોયોટા ફોર્ચ્યુનર ગાડી છે, જે અગાઉથી ખરીદેલી છે. તેઓ 8.95 કરોડની વિવિધ સ્તરની જવાબદારીઓ ધરાવે છે. વ્યવસાયે ખેતીવાડી અને બિલ્ડર ઉપરાંત પગારના સોર્સ આવક વૃદ્ધિ માટે જણાવ્યા છે. તેમના અને તેમની પત્ની પાસે સોનાચાંદીના દાગીનામાં કોઈ વધારો થયો નથી. ચંદનજી ઠાકોરે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની અંજુમન સ્કૂલમાંથી વર્ષ 1990માં ન્યુ એસએસસી પાસ કરી હતી.
ચંદનજી ઠાકોરની મિલકત
હાથ પર રોકડ – 5,54,870
સોનુ – 20 તોલા
જંગમ મિલકત – 6,04,61,701
સ્થાવર મિલકત – 4,72,91,500
જવાબદારી – 8,95,66,049
પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાછલી વિધાનસભા ચૂંટણી સિદ્ધપુર બેઠક ઉપરથી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી તે પછી તેમની સ્થાવર અને જંગમ મિલકતમાં 10 કરોડ ઉપરાંતનો વધારો થયો છે.