Papua New Guineaમાં અત્યાર સુધીમાં 2000 મોત, આંતરરાષ્ટ્રીય મદદ માગી
પાપુઆ ન્યુ ગિનીઃ શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં એક પહાડ પર થયેલા ભૂસ્ખલનમાં થયેલા મૃત્યુની સંખ્યાની સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે, આ દુર્ઘટનામાં 2000થી વધુ લોકો જીવતા દટાયા હતા. સરકારે કહ્યું કે, તેમણે રાહત પ્રયાસો માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માગી છે. રાજધાની પોર્ટ મોરેસ્બીથી 600 કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું.
આ પહેલા ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનએ પાપુઆ ન્યુ ગીનીમાં 670 લોકોના મોતની આશંકા વ્યક્ત કરી હતી. સરકારના આંકડા સંયુક્ત રાષ્ટ્રની આ એજન્સીના આંકડા કરતા લગભગ ત્રણ ગણા છે. ભૂસ્ખલનથી 2000થી વધુ લોકો જીવતા દટાઈ ગયા અને મહાવિનાશ થયો હતો. નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના કાર્યકારી નિર્દેશકે યુએનને લખેલા પત્રમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પોપ ફ્રાન્સિસે સમલૈંગિકો લોકો માટે અપમાનજનક શબ્દ કહ્યા હોવાનો દાવો
વિદેશ મંત્રી જયશંકરે પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. જયશંકરે સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે X પોસ્ટમાં લખ્યુ હતુ કે, અમારી સંવેદના સરકાર અને લોકો સાથે છે. ભારત આ મુશ્કેલીના સમયમાં મિત્રો સાથે એકતામાં ઊભું છે. જયશંકરે કહ્યુ કે, ભૂસ્ખલનથી વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. અમે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.