‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’: પાંડેસરા પોલીસે 5 કિલો ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતની પાંડેસરા પોલીસ દ્વારા પાંચ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મુન્ના યાદવ નામનો આ ઈસમ પોતાના ઘરેથી જ ગાંજાના વ્યવસાયનું કામ કરતો હતો અને બાતમીના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં NDPSની કામગીરી કરતી ટીમે મુન્નાના ઘરે 5 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી.
સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશાના કારોબાર સાથે જોડાયેલા નસીલા પદાર્થોની હેરાફેરી કરતા કે, પછી નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવને વધુ મજબૂત કરવા માટે એક પોલીસ સ્ટેશનમાં એક PSI અને તેની હેઠળ 4થી 5 લોકોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમને NDPSની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે સુરતની પાંડેસરા પોલીસને એક ઈસમને ગાંજાના મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળી હતી.
પાંડેસરા પોલીસની NDPSની ટીમને બાતમી મળી હતી કે મુન્ના યાદવ નામનો ઈસમ કૈલાશ ચોકડી પાસે રહે છે અને પોતાના ઘરેથી જ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. તેથી આ બાતમીના આધારે પંચોને સાથે રાખી પાંડેસરા પોલીસની ટીમ દ્વારા મુન્ના યાદવના ઘરે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન મુન્ના યાદવના ઘરમાંથી પોલીસને ગાંજાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેથી પોલીસ દ્વારા આ ગાંજાના મુદ્દામાલ સાથે મુન્ના યાદવ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુન્ના યાદવ નામનો આ ઈસમ કે જે ગાંજાનો વેપલો કરતો હતો તે બિહારના ગયા જિલ્લાનો વતની છે.
પાંડેસરા પોલીસે મુન્ના યાદવના ઘરેથી 5 કિલો 11 ગ્રામ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગાંજાની કિંમત 50,110 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત 1 લાખ કરતા વધુ રૂપિયા મુન્ના યાદવના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ મુન્ના યાદવ કોના દ્વારા ગાંજાનો વેપલો કરતો હતો, કોની પાસેથી ગાંજો લાવતો હતો, કઈ રીતે સુરત માટે અલગ અલગ જગ્યા પર ગાંજો પહોંચાડતો હતો..? આ તમામ બાબતો પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.