December 22, 2024

પાકિસ્તાની ઉદ્યોગપતિએ કહ્યુ – પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે

નવી દિલ્હીઃ પાકિસ્તાની મૂળના એક અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે સત્તા પર આવશે. બાલ્ટીમોર સ્થિત બિઝનેસમેન સાજિદ તરારે કહ્યું કે, મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા અને વિશ્વ માટે સારા છે અને આશા છે કે, પાકિસ્તાનને પણ તેમના જેવો નેતા મળશે.

તરારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યુ કે, ‘મોદી એક અદ્ભુત નેતા છે. તે જન્મજાત નેતા છે. તેઓ એવા વડાપ્રધાન છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મને આશા છે કે તે પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે. શાંતિપૂર્ણ પાકિસ્તાન ભારત માટે પણ સારું છે.’ એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યુ કે, ‘બધે લખેલું છે કે મોદી ભારતના આગામી વડાપ્રધાન હશે. ભારત એક યુવા દેશ છે અને તે તેનો યુવા વસતિ વિષયક સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે.’

આ પણ વાંચોઃ શું અમેરિકા લગાવશે ભારત પર પ્રતિબંધ? ચાબહાર બંદર કરાર પર જયશંકરની પ્રતિક્રિયા

સાજીદ તરાર 1990ના દાયકામાં અમેરિકા ગયા હતા. પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેના ઘણા સારા સંબંધો છે. તરારે કહ્યુ કે, ‘આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને 2024માં ભારતનો ઉદય આશ્ચર્યજનક છે. આ કહેવા જેવી વાર્તા છે. તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે.’

એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યુ કે, ‘પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) સહિત દેશના ઘણા ભાગોમાં સામાજિક અશાંતિ જોવા મળી રહી છે. પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઊંચા છે. IMF ટેક્સ વધારવા માગે છે. વીજળીના ભાવમાં વધારો થયો છે અમે નિકાસ કરી શકતા નથી. પીઓકેમાં વિરોધ મુખ્યત્વે વીજળીના બિલમાં વધારાને કારણે છે.’

તેમણે પીઓકેના લોકોને આર્થિક મદદ કરવાના પાકિસ્તાની વડાપ્રધાનના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, ‘તે માટે પૈસા ક્યાંથી આવશે? પાકિસ્તાન IMF સાથે નવા સહાય પેકેજ પર ચર્ચા કરી રહ્યું છે. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અફસોસની વાત એ છે કે પાયાના સ્તરના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી. નિકાસ કેવી રીતે વધારવી? આતંકવાદને કેવી રીતે નિયંત્રિત કરવો અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારવી. હાલમાં પીઓકેની જેમ સમગ્ર પાકિસ્તાનમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતા છે. અમે એવું નેતૃત્વ મેળવવા માગીએ છીએ જે અમને આ તમામ મુદ્દાઓથી દૂર આગળના સ્તર પર લઈ જઈ શકે.’

સાજિદ તરાર બાલ્ટીમોરમાં રહેતા એક બિઝનેસમેન છે. તેમનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંડી બહાઉદ્દીનમાં થયો હતો. સાજિદ 1990ના દાયકામાં અમેરિકા ગયા હતા અને અમેરિકન નાગરિક બન્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ બાલ્ટીમોર સ્કૂલ ઓફ લોમાંથી એલએલએમની ડિગ્રી મેળવી છે. તે પરિણીત છે અને તેમને ચાર બાળકો છે. સાજીદ તરાર બિન-લાભકારી ખાનગી સંસ્થા સેન્ટર ફોર સોશિયલ ચેન્જના સીઈઓ છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક માનવામાં આવે છે અને રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા છે. સાજિદ તરાર સોશિયલ મીડિયા પ્રભાવક, વિશ્લેષક અને દક્ષિણ એશિયા બાબતોમાં વિશેષતા ધરાવતા કોમેન્ટેટર પણ છે.