‘પાકિસ્તાન સરકાર PoKથી બલૂચિસ્તાન સુધી લશ્કરી કાર્યવાહી કરશે…’
Pakistan Government Launch Operation: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશમાં વધી રહેલા બળવાખોરી અને આતંકવાદને ખતમ કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં નેશનલ એક્શન પ્લાન કમિટીએ ‘ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામ’ને મંજૂરી આપી દીધી છે. આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને ખતમ કરવાનો છે. જો કે ચીનની ધમકી બાદ પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે.
According to the announcement of the #NationalActionPlan #Apex Committee meeting, Prime Minister @CMShehbaz has approved the launch of the 'Azam Istehkam' #عزم استحکام operation against terrorism with the approval of all stakeholders.@mahsooldotnet @MOIOfficialPak pic.twitter.com/JuScqszWpV
— mahsool.net (@mahsooldotnet) June 22, 2024
હકિકતે, આ અભિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની સાથે પાકિસ્તાનના તમામ રાજ્યોમાં ચલાવવામાં આવશે. જોકે, પાકિસ્તાનના પૂર્વ પીએમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સહિત અન્ય વિપક્ષી દળોએ તેનો જોરદાર વિરોધ કર્યો છે. તમામ પક્ષોનું કહેવું છે કે આ ઓપરેશન માટે સંસદમાંથી કોઈ સલાહ લેવામાં આવી નથી.
જાણો શું છે મિલિટરી ઓપરેશન અજમ-એ-ઇસ્તેહકામ?
પાકિસ્તાનના મીડિયા આઉટલેટ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામનો હેતુ દેશમાં વધી રહેલા ઉગ્રવાદ અને આતંકવાદને ખતમ કરવાનો છે. સૈન્ય દળોનું આ ઓપરેશન તમામ કાયદાકીય એજન્સીઓ સાથે આગળ વધશે. આમાં આતંકવાદ સંબંધિત મામલાઓમાં અવરોધરૂપ કાયદાકીય છટકબારીઓ દૂર કરવા માટે કાયદો બનાવવામાં આવશે. આતંકવાદ સામેની આ લડાઈ પાકિસ્તાનની પોતાની લડાઈ છે. આમાં, પાકિસ્તાનમાંથી કોઈને પણ રાજ્યની સત્તાને પડકારવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ચીનના દબાણમાં લેવાયો નિર્ણય
પાકિસ્તાનમાં ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ CPACને આતંકવાદીઓ સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં 2 આતંકી હુમલા થયા હતા. આ હુમલાને અંજામ આપવાની કામગીરી બલૂચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠને ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરીને અને ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરીને પાંચ ચીની એન્જિનિયરોને મારી નાખ્યા હતા. આ અંગે તાજેતરમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના મંત્રી લિયુ જિયાનચાઓએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેણે પાકિસ્તાન સરકારને જોરદાર ઠપકો આપ્યો હતો, જો કે આ પછી ચીની રાજનેતાએ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર સાથે અલગથી મુલાકાત કરી હતી. આ પછી જ પાકિસ્તાન સરકારે આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચલાવવાની મંજૂરી આપી હતી.