‘અમે 3 દાયકાથી આ ગંદુ કામ કરી રહ્યા છીએ’, પાકિસ્તાને આતંકવાદીઓને આશ્રય આપવાની વાત સ્વીકારી

Pakistan Backing Terror Groups: પહલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે હવે પોતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યો છે. સમાચાર એજન્સી ANIના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ અંગેનો એક વીડિયો ક્લિપ પણ વાયરલ થઇ છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું?
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી સ્કાય ન્યૂઝના યાલ્દા હકીમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેણીએ તેમને પૂછ્યું, ‘શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને ભંડોળ આપવાનો લાંબો ઈતિહાસ છે?’ જવાબમાં, આસિફે એક સનસનાટીભર્યા કબૂલાતમાં કહ્યું, “હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.”

પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે
ખ્વાજા આસિફે પોતાના પ્રતિભાવમાં કહ્યું, “જો આપણે સોવિયત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી 9/11 પછીના યુદ્ધમાં સામેલ ન થયા હોત, તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ બેદાગ હોત.” ANIના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખ્વાજા આસિફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણા વર્ષોથી આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે.