December 3, 2024

સાઉદીની ફટકારની અસર! પાકિસ્તાને ભિખારીઓને રોકવા માટે લીધા પગલાં

Pakistan: દર વર્ષે પાકિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે અને ત્યાં ભીખ માંગવાનું શરૂ કરે છે. ભિખારીઓની વધતી સંખ્યાને કારણે સાઉદી અરેબિયાએ તાજેતરમાં શાહબાઝ સરકારને ચેતવણી આપી હતી. આ પછી પાકિસ્તાન સરકારે પાકિસ્તાનને બદનામ કરનારા 4 હજાર પાકિસ્તાની નાગરિકોના પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાઉદીની નારાજગી બાદ પાકિસ્તાન સરકારે તેમને આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનથી ભિખારીઓને સાઉદી અરેબિયા મોકલનારા નેટવર્કને જડમૂળથી ઉખેડવા માટે પાકિસ્તાન અસરકારક પગલાં લેશે.

ગૃહ પ્રધાન મોહસિન નકવી અને સાઉદી અરેબિયાના નાયબ ગૃહ પ્રધાન ડૉ.નાસેર બિન અબ્દુલ અઝીઝ અલ-દાઉદ વચ્ચે બુધવારે યોજાયેલી બેઠકમાં ભિખારી માફિયાઓને ખતમ કરવા પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો, પરસ્પર હિતો અને સુરક્ષા સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન સાઉદી રાજદૂત નવાફ બિન સઈદ અલ-મલ્કી પણ હાજર હતા.

આ પણ વાંચો: અદાણીએ 2000 કરોડનું કૌભાંડ કર્યું, તેમની ધરપકડ થવી જોઈએ – રાહુલ ગાંધી

બેઠકમાં પાકિસ્તાનના ગૃહમંત્રીએ ભિખારીઓના નેટવર્કને તોડવા માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે ખુલાસો કરતા સાઉદી નાયબ મંત્રીને કહ્યું કે, ઈસ્લામાબાદ આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. આ અંગે પાકિસ્તાને 4300 લોકોને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL)માં રાખ્યા છે. આ યાદીમાં સામેલ લોકો પર વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.