ધમકીઓ આપ્યા બાદ પાકિસ્તાનની પીછેહઠ! શાહબાઝ શરીફે કહ્યું-PAK પહલગામ હુમલાની તપાસ માટે તૈયાર

Pahalgam Terror Attack: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે કહ્યું કે કાશ્મીરના પહલગામમાં 26 લોકોની હત્યાની કોઈપણ “નિષ્પક્ષ અને પારદર્શક” તપાસમાં ભાગ લેવા પાકિસ્તાન તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે અને પોતે પણ આતંકવાદનો ભોગ બન્યો છે.

નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં મોટાભાગના પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

‘વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર’
ડોન ડોટ કોમના અહેવાલ મુજબ, કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા શેહબાઝ શરીફે કહ્યું- ભારત કોઈપણ વિશ્વસનીય તપાસ કે પુરાવા વિના પાકિસ્તાન વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહ્યું છે. પાકિસ્તાની પીએમએ કહ્યું કે, એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા ચાલુ રાખીને પાકિસ્તાન કોઈપણ નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે.

કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે
આ દરમિયાન શાહબાઝ શરીફે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, “મારે કાશ્મીરના મહત્વ પર ભાર મૂકવો જોઈએ, કારણ કે રાષ્ટ્રના સ્થાપક કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાએ સાચું કહ્યું હતું કે, કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને હંમેશા આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી છે. આતંકવાદ સામે પાકિસ્તાનને વિશ્વનો અગ્રણી દેશ ગણાવતા તેમણે કહ્યું, “આપણે ભારે નુકસાન સહન કર્યું છે, જેમાં 90,000 જાનહાનિ અને $600 બિલિયનથી વધુનું આર્થિક નુકસાનનો સમાવેશ થાય છે.”