પાકિસ્તાની સેનાનું કબૂલનામું – કોઈ ભારતીય પાઇલોટની ધરપકડ નહીં, અમારા એક વિમાનને નુકસાન પહોંચ્યું

Pakistan Army: ભારતના ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવ આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદનો સમાવેશ થાય છે, જેઓ પુલવામા હુમલામાં સામેલ હતા અને પાકિસ્તાનના આતંકવાદી માળખાને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયું હતું.
હવે રવિવારે મોડી રાત્રે પાકિસ્તાનના નૌકાદળ, વાયુસેના અને સૈન્ય અધિકારીઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સ્વીકાર્યું કે, ભારત સાથેની અથડામણમાં તેમના એક વિમાનને નુકસાન થયું હતું. જો કે, પાકિસ્તાને કયા વિમાનને નુકસાન થયું હતું અથવા તેનું નામ શું છે તે જાહેર કર્યું નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પાકિસ્તાન સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સ ‘ઓપરેશન બુન્યાન-ઉલ-મર્સૂસ’ ની કાર્યવાહી અને નિષ્કર્ષ પર આધારિત હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લેફ્ટનન્ટ ચૌધરીએ કહ્યું, ‘એક પાકિસ્તાની વિમાનને થોડું નુકસાન થયું છે. અમે તેમના વિશે વિગતવાર માહિતી શેર કરીશું નહીં.’
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે, શું કોઈ ભારતીય પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે? જવાબમાં કહેવામાં આવ્યું કે, કોઈપણ ભારતીય પાયલોટ પાકિસ્તાનની કસ્ટડીમાં નથી. આવા બધા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર આધારિત છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે, તેમની લશ્કરી કાર્યવાહી સચોટ, સંતુલિત અને સંયમિત હતી.
લેફ્ટનન્ટ ચૌધરીએ દાવો કર્યો છે કે, ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાને 26 ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેમાં વાયુસેના અને એરબેઝનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, સુરતગઢ, સિરસા, ભુજ, નલિયા, અધમપુર, બઠિંડા, બરનાલા, હલવારા, અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, ઉધમપુર, મામુન, અંબાલા અને પઠાણકોટમાં ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બિયાસ અને નાગરોટામાં સ્થિત બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ સેન્ટરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.