પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને PoK પર જ વાતચીત થશે: વિદેશમંત્રી જયશંકર

India Pakistan Relation: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર આતંકવાદ અને PoK પર જ ચર્ચા થશે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે કોઈ પણ કોઇ ત્રીજા પક્ષની દખલગીરી મંજૂરી નથી. બંને દેશો દ્વિપક્ષીય સ્તરે જ આ મુદ્દાનો ઉકેલ લાવશે.

દિલ્હીમાં હોન્ડુરાસ દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે વર્ષોથી બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે કે અમારા સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. આમાં કોઈ ફેરફાર થયો નથી.

પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે
વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. પાકિસ્તાને આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંધ કરવું જ પડશે. શું કરવું તે તેઓ જાણે છે. અમે તેમની સાથે આતંકવાદ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આ એવી વાતચીત છે જે શક્ય છે. કાશ્મીર પર ચર્ચા માટે એકમાત્ર મુદ્દો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે, અમે તે ચર્ચા માટે તૈયાર છીએ.