ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થતાં અમેરિકા એક્ટિવ, પાકિસ્તાનના PM શાહબાઝનું ટેન્શન વધશે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો યુદ્ધની અણી પર પહોંચી ગયા છે, જેને જોઈને અમેરિકા પણ સક્રિય થઈ ગયું છે. રવિવારે અમેરિકાએ કહ્યું કે, તે ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છે અને બંને દેશોને જવાબદાર ઉકેલ શોધવા તરફ કામ કરવા વિનંતી કરી રહ્યું છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ઇમેઇલ દ્વારા મોકલેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સતત બદલાતી પરિસ્થિતિ છે અને અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે અનેક સ્તરે ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સંપર્કમાં છીએ.

પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા તમામ પક્ષોને સાથે મળીને કામ કરવા અને જવાબદાર ઉકેલ શોધવાની અપીલ કરે છે. અમેરિકા ભારતની સાથે ઉભું છે અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરે છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના તાજેતરના નિવેદનોનો પુનરાવર્તિત કરતા આ વાત કહી.

અમેરિકા પાકિસ્તાનનો તણાવ કેવી રીતે વધારી શકે છે?
રોઇટર્સના અહેવાલમાં વોશિંગ્ટન સ્થિત દક્ષિણ એશિયા નિષ્ણાત અને ફોરેન પોલિસી મેગેઝિનના લેખક માઈકલ કુગેલમેને લખ્યું છે કે, ભારત હવે પાકિસ્તાન કરતાં અમેરિકાનો ખૂબ નજીકનો ભાગીદાર બની ગયો છે. કુગેલમેને કહ્યું કે, આનાથી ઇસ્લામાબાદને ચિંતા થઈ શકે છે કે જો ભારત લશ્કરી રીતે બદલો લેશે તો અમેરિકા આતંકવાદ સામે ભારતની કાર્યવાહીને સમર્થન આપી શકે છે અને પાકિસ્તાનના પક્ષમાં દખલ નહીં કરે.

કુગેલમેને એમ પણ કહ્યું કે, વોશિંગ્ટન પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધ અને ગાઝામાં ઇઝરાયલના સંઘર્ષ જેવા મુખ્ય વૈશ્વિક મુદ્દાઓમાં ઊંડાણપૂર્વક ફસાયેલું હોવાથી ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને તાત્કાલિક સંભાળવાનું મુશ્કેલ બની શકે છે. શરૂઆતના દિવસોમાં અમેરિકા ભારત અને પાકિસ્તાનને પરિસ્થિતિને જાતે સંભાળવા દેશે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે અને તેને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર ઠેરવ્યું છે. સરકારે કહ્યું છે કે, હુમલાના ગુનેગારો અને તેમના કાવતરાખોરોને સૌથી કડક સજા આપવામાં આવશે.