November 24, 2024

ગંગાજલ પ્રોજેક્ટમાંથી બનેલી પાણીની ટાંકી ધરાશાયી, બે લોકોના મોત… 15થી વધુ ઘાયલ

Tank Collapsed: રવિવારે ઉત્તર પ્રદેશના મથુરામાં બીએસએ એન્જિનિયરિંગ કોલેજ પાસે ગંગા જળ પ્રોજેક્ટ હેઠળ બનેલી 2.5 લાખ લિટરની ઓવરહેડ ટાંકી તૂટી પડી હતી. આ પાણીની ટાંકી એક વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. એક ડઝનથી વધુ વાહનો પણ કાટમાળ નીચે દટાયા છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.

આ ઘટના સાંજે લગભગ 6 વાગ્યે કૃષ્ણ વિહાર કોલોની સ્થિત પાર્કમાં બની હતી. આ ઘટનાથી વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટનાસ્થળનો તાગ મેળવ્યો હતો. જવાબદારો સામે કેસ નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું. સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે.

માહિતી અનુસાર, આ ટાંકી બે વર્ષ પહેલા ગંગા જળ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી હતી. લીકેજના કારણે થાંભલા નબળા પડી ગયા હતા. આ અંગે લોકોએ ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આગ્રાની એક ફર્મે જલ નિગમની દેખરેખ હેઠળ 6 કરોડ રૂપિયાના ખર્ચે આ ટાંકી બનાવી હતી. મુખ્યમંત્રીએ ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે.