પહલગામ આતંકી હુમલાને લઈ ગુજરાતભરમાં રોષ, ABVPએ પાકિસ્તાનનું પૂતળું બાળીને કર્યો વિરોધ

અમદાવાદ: પહલગામ હુમલાને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોકો આ ધટનાને વખોડી અને પાકિસ્તાન વિરૂદ્ધ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે જમ્મુ-કાશમીરના પહલગામમાં આતંકી હુમલાને લઈ યુવાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPએ પાકિસ્તાનનું પૂતળું બાળીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. ABVPએ રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં વિરોધ કર્યો હતો.
વલસાડ ટુરિસ્ટ ટેક્સી સંચાલકોએ આતંકી હુમલાને લઇ ટેક્સી સ્ટેન્ડ પર ટેક્સીઓ ઉંધી મૂકી વિરોધ નોંધાવ્યો છે. એક દિવસ માટે તમામ ટેક્સી ચાલકોએ તમામ ટ્રીપો રદ કરી છે. બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એક દિવસ માટે વલસાડના ટેક્સી સંચાલકો ધંધો કરશે નહીં. ન્યાયની માગ કરી હુમલાનો બદલો લેવાની અપીલ કરી છે.
કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાબતે જેતપુર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુન્ની મુસ્લિમ સમાજે આ કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડયો હતો. આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરી છે.
આતંકી હુમલાના વિરોધમાં મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે. આવતીકાલે મોડાસા માર્કેટયાર્ડ ખાતે હરાજીનું કામકાજ થશે નહીં. વેપારી એશોશિએશને સ્વેચ્છાએ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂત ભાઈઓને જણસ લઇ માર્કેટમાં વેચવા ન આવવા અનુરોધ કરાયો છે. એક દિવસ માટે માર્કેટયાર્ડ બંધ પાળી વિરોધ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શનિવારે રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ રહેશે.