News 360
Breaking News

ઉત્તરાખંડ: હિમસ્ખલનમાંથી બચાવાયેલા 50 મજૂરોમાંથી 4ના મોત, 5ની શોધખોળ ચાલુ

Chamoli Rescue Operation: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં સ્થિત બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કેમ્પમાં હિમસ્ખલનને કારણે બરફ નીચે ફસાયેલા 4 કામદારોના મોત થયા છે. આ ભયંકર દુર્ઘટનામાં અસરગ્રસ્ત 55 કામદારોમાંથી કુલ 50 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 5 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. કમનસીબે, સફળતાપૂર્વક બચાવી લેવામાં આવેલા 50 કામદારોમાંથી 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સેનાના અધિકારીઓએ માહિતી આપી છે કે બાકીના 5 ફસાયેલા કામદારોને બચાવવા માટે શનિવારે ફરીથી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

‘8 કન્ટેનર અને એક શેડમાં 55 મજૂરો ફસાયા’
સેનાના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે આવેલા હિમપ્રપાતને કારણે માણા અને બદ્રીનાથની વચ્ચે સ્થિત BRO કેમ્પ બરફની નીચે દબાઈ ગયો હતો, જેમાં 8 કન્ટેનર અને એક શેડમાં 55 મજૂરો ફસાઈ ગયા હતા. શુક્રવારે વરસાદ અને હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી હતી અને રાત્રે થોડા સમય માટે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. શનિવારે હવામાન સાફ થતાં બચાવ કામગીરીમાં હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો.

‘બચાવાયેલા કેટલાક કામદારોના હાડકાં તૂટી ગયા છે’
નોંધનીય છે કે, PM નરેન્દ્ર મોદીએ પણ સીએમ ધામી સાથે વાત કરી હતી અને તેમને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એન. કે. જોશીએ જણાવ્યું હતું કે માનામાં તૈનાત સેના અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. બચાવાયેલા કેટલાક કામદારોના હાડકાં તૂટી ગયા હતા જ્યારે અન્યને સામાન્ય ઈજાઓ થઈ હતી. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે સેનાના હેલિકોપ્ટર કામગીરીમાં રોકાયેલા છે અને જો હવામાન સારું રહેશે, તો અમે ટૂંક સમયમાં બાકીના કામદારોને શોધીશું.