હવે TV, OTT અને થિયેટર તમામ પર ‘જય શ્રીરામ’
આજે પણ દર્શકો ટીવી પર રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપરાનું મહાભારત જોવાનું પસંદ કરે છે. જે લગભગ 3 દાયકા પહેલા પ્રસારિત થયું હતું. આ તમામ પૌરાણિક કથાઓએ દર્શકોના પ્રેમની સાથે ટીવી ઈન્ડસ્ટ્રીને ઘણી ટીઆરપી આપી છે. વર્ષ 2024 સમગ્ર ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે 22 જાન્યુઆરીથી રામ મંદિર દરેક માટે ખુલશે. જેના માટે આપણા દેશવાસીઓ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. આ ખાસ અવસર પર આખો દેશ દિવાળીની ઉજવણી કરવા જઈ રહ્યો છે, પરંતુ આ આખું વર્ષ આપણે ટીવી, OTT અને થિયેટર પર પણ રામાયણ સંબંધિત સામગ્રી જોવા જઈ રહ્યા છીએ.
સોની ટીવી પર ‘શ્રીમદ રામાયણ’
વર્ષની શરૂઆત સોની ટીવીએ શ્રીમદ રામાયણની સાથે કરી છે. આ સીરિયલ જાણીતા નિર્દેશક સિદ્ધાર્થ કુમાર તિવારી, પ્રાચી બંસલ, નિલિતિન ધીર અને નિર્ભય વાધવાએ સાથે મળીને બનાવી છે. જેમાં ફરી વખત આપણને રામકથા જોવા મળશે. આ ઉપરાંત કલર્સ ટીવી પર આવતી શિવશક્તિ ધારાવાહિકમાં પણ રામાયણના અધ્યયનને દેખાડવામાં આવશે.
રામના અવતારમાં દેખાશે રણબીર કપૂર
પ્રભાસની ‘આદિપુરૂષ’ ભલે લોકોને એટલી પસંદ ન આવી હોય, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી રામાયણની વાર્તાને છોડવા નથી માંગતા. રણબીર કપૂર અને યશની સાથે જાણીતા નિર્દેશક નિતેશ તિવારી ‘રામાયણ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળશે. તો KGFના યશ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત પ્રશાંત વર્મા પણ તેમની ફિલ્મ ‘હનુમાન’ને પેન ઈન્ડિયામાં રિલીઝ કરશે.
OTT પર પણ જયશ્રીરામ
ટીવી અને ફિલ્મો બાદ ઓટીટી પણ રામમય થવાની તૈયારીઓ કરી લીધી છે. જલદી જ હોટસ્ટાર પર શરદ કેલકરની અવાજમાં ‘ધ લીજેન્ડ ઓફ હનુમાન’ના ત્રીજા અધ્યાયને બતાવવામાં આવશે. આ સીરિઝ ઉપરાંત એમએક્સ પ્લેયર, પ્રાઈમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ ભગવાન રામથી જોડાયેલા જુના શૉ પરથી રિ-રિલીઝ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે.