July 2, 2024

રાજકોટ અગ્નિકાંડ બાદ શાળાઓમાં શેડને લઈ અમદાવાદ DEO એક્શન મોડમાં

અંકુર વિદ્યાલયમાં શેડને લઇને ડીઇઓ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામા આવ્યો છે.

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શાળાઓમાં શેડને લઇને અમદાવાદ ડીઇઓ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામા આવ્યો છે. નવા નરોડા વિસ્તારમા આવેલી અંકુર વિદ્યાલયમાં શેડને લઇને ડીઇઓ દ્વારા નોટિસ પાઠવીને ખુલાસો માંગવામા આવ્યો છે.

રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજ્યા છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં ફાયર એનઓસીને લઇને તપાસ કરવામા આવી રહી છે. અમદાવાદમાં ગેમ ઝોન, શોપિંગ કોમ્પલેક્ષ, સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી છે કે નહીં તેની ચકાસણી શરૂ કરવામા આવી છે ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને શાળાઓમા પણ ચકાસણી શરૂ કરવામા આવી છે. અમદાવાદ શહેરમાં એક હજાર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 600 એમ કુલ 1600 જેટલી શાળાઓનું ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે. છેલ્લા બે દિવસમાં 300થી વધુ શાળાઓનું ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે. જેમાં અનેક સ્કુલેોને ફાયર સેફ્ટીને લઇને તાકીદ કરવામા આવી છે.

આ પણ વાંચો: પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શાળાઓને 13 જૂને પેહલા NOC લેવા આદેશ કર્યો

સુરતમાં થયેલ તક્ષશિલાકાંડ બાદ રાજ્યની તમામ શાળાઓમાં ફાયર એનઓસી ફરજીયાત કરી દેવામા આવી છે. સ્કુલમાં શેડ બાંધીને પણ ક્લાસરૂમ બનાવી દેવામા આવ્યા હોવાનુ પણ ઘણી સ્કુલોમાં સામે આાવ્યુ છે ત્યારે અમદાવાદ ડીઇઓ દ્વારા આવી સ્કુલોને નોટીસ પાઠવીને ખુલાસો માંગવામા આવ્યો છે.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં અમદાવાદના ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, બે દિવસમાં 300 સ્કુલોની તપાસ પૂર્ણ કરવામા આવી છે ત્યારે નવા નરોડા સરદાર ચૌક પાસેની અંકુર વિદ્યાલય પાસેથી ખુલાસો માંગવામા આવ્યો છે. સ્કુલ દ્વારા પતરાથી ક્લાસ રૂમ તૈયાર કરી દેવામા આવ્યા છે ત્યારે તેની પરમિશન લેવામા આવી છે કે નહી તેનો ખુલાસો શાળા પાસેથી માંગવામા આવ્યો છે.