September 10, 2024

Bangladesh: શેખ હસીનાના કટ્ટર વિરોધી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બનશે વચગાળાની સરકાર

Bangladesh updates: બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વચગાળાની સરકારની રચના થવાની છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવે મંગળવારે રાત્રે માહિતી આપી હતી કે શેખ હસીનાના કટ્ટર વિરોધી અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશના સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નેતૃત્વમાં એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. વિરોધીઓએ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધો છે.

કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. યુનુસ બાંગ્લાદેશના સામાજિક ઉદ્યોગસાહસિક, બેંકર, અર્થશાસ્ત્રી અને સામાજિક નેતા છે. 2006 માં તેમને ગરીબી નાબૂદી માટેના તેમના વિશેષ પ્રયાસો માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આના કારણે બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં લોકોનું જીવનધોરણ સુધર્યું હતું. યુનુસને શેખ હસીનાના કટ્ટર ટીકાકાર અને વિરોધી માનવામાં આવે છે. તેમણે શેખ હસીનાના રાજીનામાની અને દેશ છોડીને ભાગી જવાની સ્થિતિને “બીજો મુક્તિ દિવસ” ગણાવ્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પ સહિત અનેક નેતાઓની હત્યાનું કાવતરું, પાકિસ્તાની ‘હત્યારા’ની કરી ધરપકડ

મોહમ્મદ યુનુસ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા
મોહમ્મદ યુનુસને આ વર્ષે જાન્યુઆરીમાં શ્રમ કાયદાના ભંગ બદલ છ મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી. જોકે તેમને જેલમાં મોકલવામાં આવ્યો ન હતો. જૂનમાં બાંગ્લાદેશની અદાલતે યુનુસ અને તેના દ્વારા સ્થાપિત ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં કામ કરતા અન્ય 13 લોકો પર કલ્યાણ ભંડોળમાંથી 252.2 મિલિયન ટાકા (બાંગ્લાદેશી ચલણ)ની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો. યુનુસ વિરુદ્ધ અન્ય ઘણા ભ્રષ્ટાચારના કેસ પેન્ડિંગ છે. જોકે યુનુસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. યુનુસે તેમના નિવેદનમાં કહ્યું હતું કે ‘બાંગ્લાદેશમાં કોઈ રાજકારણ બાકી નથી, ફક્ત એક જ પક્ષ છે જે સક્રિય છે અને જે ગેરકાયદેસર માધ્યમથી ચૂંટણી જીતે છે.’