December 21, 2024

GST Council Meeting: આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર કોઈ રાહત નહીં

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક (GST Council Meeting)માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય થઈ શક્યો નથી. મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલની 55મી બેઠકમાં આ મહત્વપૂર્ણ મુદ્દા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કારણ કે તેના પર વધુ સ્પષ્ટતાની જરૂર છે. કાઉન્સિલે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GOM)ને તેના રિપોર્ટને વધુ વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી સામેલ કરવા કહ્યું છે. આ સમાચાર સામાન્ય લોકો માટે એક મોટો આંચકો છે, જેઓ સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમિયમમાં ઘટાડો થવાની અપેક્ષા રાખતા હતા. નોંધનીય છે કે, હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન 18% GSTના દાયરામાં આવે છે.

કાર વેચવા પર વધુ GST
આ બેઠકમાં પોપકોર્ન પર જીએસટીના નવા દરો પર સહમતિ બની છે. મીઠું અને મસાલા સાથે મિશ્રિત તૈયાર પોપકોર્ન (પેક્ડ નહીં) પર 5% GST લાદવામાં આવ્યો છે. જ્યારે પ્રી-પેકેજ અને લેબલવાળા પોપકોર્ન પર 12% GST લાગશે. તેવી જ રીતે, કારમેલ પોપકોર્ન 18% GSTના દાયરામાં આવશે. આ સાથે જૂની નાની પેટ્રોલ-ઇલેક્ટ્રિક કાર (EV)ના વેચાણ પર GST 12% થી વધારીને 18% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠકમાં ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી કંપનીઓને પણ રાહત ન મળી હોવાના અહેવાલ છે. ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ પર જીએસટી દર 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એ જ રીતે, 50% થી વધુ ફ્લાય એશ ધરાવતા ઑટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (ACC) ના બ્લોક્સ પર GST 18% થી ઘટાડીને 12% કરવામાં આવ્યો છે.