ન્યૂયોર્કના લિંકન સેન્ટર ખાતે નીતા અંબાણી વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવશે

Nita Ambani: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ને ન્યૂયોર્ક સિટીમાં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઈન્ડિયા વીકએન્ડ’ની પ્રથમ આવૃત્તિ લાવવાનું ગૌરવ છે. જે દેશના સમૃદ્ધ વારસાનો ઐતિહાસિક ઉત્સવ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, 12-14 સપ્ટેમ્બર-2025 સુધી ચાલનારા આ મનોરંજક વીકએન્ડમાં વૈશ્વિક મંચ પર ભારતના શ્રેષ્ઠ સંગીત, થિયેટર, ફેશન, ભોજન અને પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રસંગે બોલતા, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અમે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડને ન્યુયોર્ક સિટીમાં પ્રથમ વખત લાવવા માટે રોમાંચિત છીએ! તે ભારતના સાંસ્કૃતિક વારસા – આપણી કળા, હસ્તકલા, સંગીત, નૃત્ય, ફેશન અને ભોજનની વૈશ્વિક ઉજવણી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. NMACC ખાતે, અમારો ઉદ્દેશ્ય હંમેશા ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓને પ્રદર્શિત કરવાનો અને ભારતની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ લાવવાનો છે. આ ખાસ સપ્તાહાંત એ યાત્રામાં પહેલું પગલું છે, જેમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્ટેજ – લિંકન સેન્ટર પર ભારતની ભાવનાની ઉજવણી કરવામાં આવશે. હું ન્યુયોર્ક શહેર અને વિશ્વ સાથે આપણી સમૃદ્ધ પરંપરાઓ અને વારસો શેર કરવા માટે ઉત્સાહિત છું.”
12 સપ્ટેમ્બરે ડેવિડ એચ. કોચ થિયેટર, લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે ભારતના સૌથી મોટા થિયેટર પ્રોડક્શન, ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઇઝેશન ટુ નેશન’ના બહુ-અપેક્ષિત યુએસ પ્રીમિયર સાથે સપ્તાહના અંતનો પ્રારંભ થશે. સત્તાવાર નિવેદન અનુસાર, આ નિર્માણ, જે નૃત્ય, કલા, ફેશન અને સંગીતનું મિશ્રણ કરે છે, તે ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક અદભુત શ્રદ્ધાંજલિ છે, જે દેશના ઈતિહાસને ઈ.સ.પૂર્વે 5000થી લઈને 1947માં તેની સ્વતંત્રતા સુધી લઈ જાય છે. 100 થી વધુ કલાકારો, ભવ્ય કોસ્ચ્યુમ અને વિશાળ સેટ સાથે, ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ’ એક અજોડ થિયેટ્રિકલ અનુભવ છે. નિવેદનમાં જણાવાયું છે કે ભારતનો સૌથી મોટો સંગીતમય શો, જેમાં અસાધારણ ભારતીય પ્રતિભા તેમજ ટોની અને એમી એવોર્ડ વિજેતા ટીમનો સમાવેશ થાય છે, તેની કલ્પના અને દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા કરવામાં આવ્યું છે.
આ ભવ્ય નિર્માણમાં અજય-અતુલ (સંગીત), મયુરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ, સમીર અને અર્શ તન્ના (કોરિયોગ્રાફી) જેવા ઉત્તમ કલાકારોનો સહયોગ જોવા મળશે. આ વિઝ્યુઅલ સ્પેક્ટેકલમાં જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરાયેલ કોસ્ચ્યુમ પણ સામેલ હશે. આ શોમાં પાંચ મર્યાદિત સ્ક્રીનીંગ હશે.
12 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ફક્ત આમંત્રિત લોકો માટે રેડ કાર્પેટથી થશે- ઇવેન્ટની શરૂઆત ‘ગ્રાન્ડ વેલકમ’થી થશે – જેમાં ભારતના જાણીતા પરંપરાગત વણકરો અને કુશળ કારીગરોનું પ્રદર્શન કરતા ‘મનીષ મલ્હોત્રા દ્વારા ક્યુરેટેડ સ્વદેશ ફેશન શો’ સામેલ હશે. સાંજે પ્રાચીન ભારતથી લઈને આધુનિક ભારત સુધીના ભોજન અને સ્વાદની ખાસ પ્રસ્તુતિ હશે, જે મિશેલિન-સ્ટાર શેફ વિકાસ ખન્ના દ્વારા રજૂ કરવામાં આવશે.
NMCC ઇન્ડિયા વીકેન્ડ પણ 12-14 સપ્ટેમ્બર દરમિયાન ડેમરોશ પાર્ક ખાતે યોજાશે, જે ‘ગ્રેટ ઇન્ડિયન બજાર’ ના રૂપમાં એક રોમાંચક અને આકર્ષક અનુભવ લાવશે. નિવેદનમાં જણાવાયું છે કે મહેમાનોને શ્રેષ્ઠ ભારતીય ફેશન અને કોચર, સ્વાદિષ્ટ સ્વાદ તેમજ નૃત્ય, યોગ અને સંગીતના અનુભવોનો પરિચય કરાવવામાં આવશે.