January 14, 2025

ડાકુઓને ખતમ કરવા એર સ્ટ્રાઇક… સામાન્ય લોકો બન્યા નિશાન, લગભગ 20નાં મોત

અબુજાઃ નાઇજિરીયાના ઉત્તર-પશ્ચિમમાં ગુનાહિત ગેંગને નિશાન બનાવતા હવાઈ હુમલામાં આકસ્મિક રીતે કેટલાય નાગરિકો માર્યા ગયા હતા. અહેવાલ અનુસાર, અધિકારીઓએ મૃતકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી. સ્થાનિક રહેવાસી સલિસુ મરાદુને કહ્યું કે, તેણે 20 મૃતદેહોની ગણતરી કરી છે, જ્યારે 10 અન્યની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય સ્થાનિક રહેવાસીઓએ પણ જણાવ્યું કે, સ્થાનિક સુરક્ષાકર્મીઓ સહિત ઓછામાં ઓછા 15 નાગરિકોનાં મોત થયા છે.

રવિવારે એક નિવેદનમાં ઝમફારા રાજ્યના ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સપ્તાહના અંતે નાઇજિરિયન એરફોર્સે કહેવાતા ડાકુઓને નિશાન બનાવ્યા હતા, જેઓ ગ્રામજનોની હત્યા કરે છે અને સામૂહિક અપહરણ કરે છે. આ લોકો મારાદુન અને ઝુરમી સ્થાનિક સરકારી વિસ્તારોમાં છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ, તુંગાર કારામાં ઓપરેશન દરમિયાન સિવિલિયન જોઇન્ટ ટાસ્ક ફોર્સના કેટલાક સભ્યો અને સ્થાનિક સતર્ક ટીમને ખોટી ઓળખના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા.

સ્થાનિકોને ભૂલથી ડાકુઓ સમજ્યા
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વ-બચાવ જૂથોના સભ્યો ભૂલથી ઝુર્મીથી ભાગી રહેલા ડાકુ તરીકે ગણાવ્યા હતા. વાયુસેનાએ કહ્યું કે, તેણે આ ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. તેણે નાગરિકો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈપણ નુકસાનને ઘટાડવા માટે કામ કરવાનું વચન આપ્યું છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે, તેમના ઓપરેશનથી ઘણા ડાકુઓને સફળતાપૂર્વક ખતમ કરવામાં આવ્યા હતા અને કેટલાક અપહરણનો ભોગ બનેલા લોકોને પરત મેળવ્યા હતા.

8 વર્ષમાં હવાઈ હુમલામાં 400 માર્યા ગયા
હવાઈ દળ તાજેતરના વર્ષોમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય નાઈજિરીયામાં સશસ્ત્ર જૂથો અને ગેંગ સામે હવાઈ હુમલામાં વધારો કરી રહ્યું છે. જો કે, હવાઈ હુમલામાં અનેક પ્રસંગોએ આકસ્મિક રીતે નાગરિકોનાં મોત થયા છે. જેમાં ડિસેમ્બર 2023માં ઉત્તરી કડુના રાજ્યમાં ધાર્મિક મેળાવડા દરમિયાન 80થી વધુ નાગરિકોના મોત થયા હતા. લાગોસ સ્થિત SBM ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મ અનુસાર, 2017થી અત્યાર સુધીમાં લગભગ 400 નાગરિકો લશ્કરી હવાઈ હુમલામાં માર્યા ગયા છે.