News capital Reality check: ડેડીયાપાડામાં હોસ્પિટલ તો છે પણ ડોક્ટર નથી…. રાહ જોતા રહી જાય છે દર્દીઓ

પ્રવિણ પટવારી, નર્મદા: નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જાહેર કરેલ છે. એટલે કે અતિ પછાત જિલ્લામાં આવતો હોય અને જિલ્લાની બહુલ વસ્તી આદિવાસી હોય નીતિ આયોગ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં આરોગ્યને લઈને ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પરંતુ ડેડીયાપાડાની વાત કરીએ તો ડેડીયાપાડા ખાતે સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી છે. કરોડોના ખર્ચે સુવિધા સજ્જ બિલ્ડિંગ તો બનાવી દેવામાં આવી છે.પરંતુ ડૉક્ટરોના અભાવે આદિવાસી જનતાને ખૂબ મુશ્કેલી પડે છે અને જોઈએ એવી આરોગ્ય સુવિધાઓ મળતી નથી. ન્યૂઝ કેપિટલ ની ટીમ જ્યારે દેડીયાપાડા જઈને રિયાલિટી ચેક કર્યું ત્યારે ત્યાં ફરજ પર એક જ ડોક્ટર હતા અને તે ડેપ્યુટેશન પર આવલા હતા. રેગ્યુલર પણ નહીં.એટલે અહીંયાની પરિસ્થિતિ કેટલી વિકટ છે એ જોઈ શકાય છે.

દેડીયાપાડા તાલુકામાં આવેલી આ સરકારી હોસ્પિટલ માં એકસ-રે,લેબોરેટરીથી લઈને ઓપરેશન થિયેટર સુધી બધી સુવિધાઓ છે. પરંતુ ડોક્ટરના અભાવે દર્દીઓને માત્ર રિફર જ કરવામાં આવે છે. એક ડોક્ટર 24 કલાક ડ્યુટી કરે છે. જેમ કે OPD સંભાળે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સંભાળે કે ઇમરજન્સી દર્દીને સંભાળે આવા કિસ્સાઓમાં રિફર કરવામાં આવે તો દર્દીઓના મોત પણ થતા હોય છે. ગાયનેકના પણ ઘણા કેસો આવે પણ કોઈ ગાયનેક ડોક્ટર નથી. માટે દેડીયાપાડા ખાતે વધુ ડોક્ટર મુકાય એવી માંગ જનતા કરી રહી છે.

ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા દેડીયાપાડા ખાતે રિયાલિટી ચેક કરતા અનેક ઘણા માનસિક રોગના દર્દીઓ પણ મળી આવ્યા છે કે જેઓ ડોક્ટરની રાહ જોતા હતા. દર શુક્રવારે કેમ્પ માટે બે ત્રણ ડોક્ટરો રાજપીપળાથી આવે છે. પણ 11 વાગ્યા હતા ત્યાં સુધી તો ડોક્ટર આવ્યા નહોતા. જ્યારે લોકો 9 વાગ્યાના લાઈનો લગાવી બેઠા હતા.. તો રેગ્યુલર માનસિક રોગના ડોકટર પણ દવાખાનામાં હોવા જોઈએ..