September 17, 2024

આસામમાં આધાર કાર્ડ બનાવવાનો નવો નિયમ લાગુ, CM હિમંતા બિસ્વાએ કરી મોટી જાહેરાત

Himanta Sarma sets new condition for Aadhaar card applicants: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે કહ્યું કે, હવે આસામમાં આધાર કાર્ડ બનાવવા માટે નવા અરજદારોએ તેમની NRC અરજીનો રસીદ નંબર આપવો પડશે. વધુમાં કહ્યું કે આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા વસ્તી કરતા વધુ છે. જેનો અર્થ એ છે કે કેટલાક નાગરિકો શંકાસ્પદ હોઈ શકે છે. તેથી અમે નક્કી કર્યું છે કે નવા અરજદારોએ તેમની NRC અરજીની રસીદ નંબર આપવો પડશે.

આ 9.55 લાખ લોકોને NRC રસીદ નંબર વિના આધાર મળશે
એક મીડિયા નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે NRC પ્રક્રિયા દરમિયાન 9.55 લાખ લોકોની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ લોકોને NRC અરજીની રસીદ નંબરની જરૂર નથી. આ લોકોને રસીદ નંબર વગર તેમના આધાર કાર્ડ આપવામાં આવશે.

ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવાની રહેશે
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવા માટે આ તમામ કવાયત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઘણા બાંગ્લાદેશી નાગરિકો રહે છે. હવે આસામ સરકાર અહીં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અને બાંગ્લાદેશીઓને ઓળખવામાં વ્યસ્ત છે, છેલ્લા કેટલાક મહિનામાં આ સમગ્ર પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, છેલ્લા બે મહિનામાં આવા ઘણા લોકોને પકડીને બાંગ્લાદેશી અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

‘1885 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી’
મળતી માહિતી મુજબ, આસામ પોલીસે ગત બુધવારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાંચેય ત્રિપુરાથી કરીમગંજમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ BSFએ ઉત્તર-પૂર્વમાં 1885 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદની નજીક પોતાની સતર્કતા વધારી દીધી છે.