May 18, 2024

નેપાળમાં 100 રૂપિયાની નવી નોટને મંજૂરી, નકશામાં વિવાદિત સ્થળો

કાઠમંડુ: નેપાળે ગઈ કાલે નકશા સાથે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે આ નોટ પર નેપાળનો નવો નકશો છાપવામાં આવશે. આ નોટ પર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે.

નેપાળમાં આ વિસ્તારો મોટો મુદ્દો
તમને જણાવી દઈએ કે આ નોટ પર જે વિસ્તારને છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે વિસ્તાર મોટો મુદ્દો છે. નેપાળ આ ત્રણેય વિસ્તારોને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરીને સમયાંતરે આ મુદ્દો ઉઠાવતું રહ્યું છે. આ પહેલા નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના અભિન્ન અંગ છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે આ અંગે ભારત સાથે જે પણ વિવાદ છે તેનો રાજદ્વારી રીતે ઉકેલ લાવવો જોઈએ. આ વિસ્તાર તો નેપાળમાં ચૂંટણી સમયે ચૂંટણીના મુદ્દા રહ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાને તો ચૂંટણી સમયે વાયદો કર્યો હતો કે જો તેમની પાર્ટી સત્તામા આવશે તો આ ત્રણેય સ્થળોને ફરી પાછા લેશે.

ભારતે આકરી પ્રતિક્રિયા
જ્યારે નેપાળના નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને તેના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા ત્યારે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ ત્રણેય સ્થળ ભારત-નેપાળ સરહદ પર ઉત્તરાખંડમાં સ્થિત છે. અંદાજે ત્રણ વર્ષ પહેલા નેપાળની સંસદના નીચલા ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવેલા નેપાળના નવા રાજકીય નકશામાં આ વિસ્તારોને તેના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવતાં ભારત તરફથી આકરો જવાબ આપવામાં આવ્યો હતો.