July 3, 2024

NEET-UG Row: પેપરલીક સહિત ગરબડના આરોપોની CBI તપાસની માગ, કેન્દ્ર-NTAને સુપ્રીમની નોટિસ

નવી દિલ્હીઃ NEET-UG વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ, 2024માં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓના આરોપોની સીબીઆઈ તપાસની માગ કરતી અરજી પર આ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીની અરજી પર તમામ પક્ષકારોને નોટિસ પણ જાહેર કરી છે. જેમાં વિવિધ હાઈકોર્ટમાંથી અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી છે.આ અરજીની સુનાવણી 8મી જુલાઈએ થશે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વકીલની દલીલની નોંધ લેવામાં આવી હતી કે, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓના આરોપોના આધારે NEET-UGને રદ કરવાની માગ કરતી ઘણી અરજીઓ અનેક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચોઃ RSS-BJP વચ્ચેનો વિવાદ સપાટી પર, ઇન્દ્રેશ કુમારે કહ્યુ – અહંકારીઓને 241એ રોક્યાં

બેન્ચે કહ્યું કે, અમે નોટિસ જાહેર કરી રહ્યા છીએ. જેની સુનાવણી 8મી જુલાઈએ થશે. આ દરમિયાન NTAએ જણાવ્યું હતું કે, તે અન્ય ત્રણ અરજીઓ પાછી ખેંચવા માગે છે, જે હાઈકોર્ટમાંથી કેસને સર્વોચ્ચ અદાલતમાં સ્થાનાંતરિત કરવાની માગ કરી રહી હતી. કારણ કે, તેઓ 5 મેના રોજ પરીક્ષા દરમિયાન સમયના બગાડને કારણે 1563 ઉમેદવારોને ગ્રેસ આપી રહ્યા હતા.

NTAના વકીલે જણાવ્યું હતું કે, મામલો હવે ઉકેલાઈ ગયો છે અને તે નિર્ણય અને 1536 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ રદ કરવાના સુપ્રીમ કોર્ટના 13 જૂનના આદેશ વિશે હાઈકોર્ટને જાણ કરશે. NEET-UG પરીક્ષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર અને NTAએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમણે MBBS અને અન્ય આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પરીક્ષામાં હાજર રહેલા 1563 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ રદ કર્યા છે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 5 લોકોનાં મોત, 19 ઘાયલ

કેન્દ્રએ કહ્યુ હતુ કે, તેમની પાસે કાં તો ફરીથી પરીક્ષા આપવાનો અથવા ગ્રેસ માર્ક્સ માફ કરવાનો વિકલ્પ હશે. આ પરીક્ષા 5 મેના રોજ 4750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં લગભગ 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. 14મી જૂને પરિણામ જાહેર થવાનું હતું, પરંતુ અકાળે ચકાસણીને કારણે 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારપછી વિવાદ શરૂ થયો હતો. ઘણા વિદ્યાર્થીઓએ 10 જૂને દિલ્હીમાં કથિત અનિયમિતતાઓની તપાસની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા. સાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

પરિણામને લઈને હોબાળો કેમ?

  • NTAના ઇતિહાસમાં અભૂતપૂર્વ 67 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 720 માર્ક્સ મેળવ્યા.
  • તેમાં હરિયાણાના ફરીદાબાદના એક સેન્ટરના છ વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.
  • આ પછી ગેરરીતિની આશંકા ઉભી થવા લાગી હતી.
  • આરોપ છે કે, ગ્રેસ માર્ક્સને કારણે 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો છે.

NEET-UG શું છે?
NEET-UG પરીક્ષા NTA દ્વારા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.