September 21, 2024

સિલ્વર મેડલ જીત્યા બાદ નિરજ ચોપરાની પ્રથમ પ્રતિક્રિયા, ઈજા વિશે આપ્યું મોટું નિવેદન

Paris Olympics 2024: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024ના 13મા દિવસે 2 મેડલ જીત્યા, જેમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ સામેલ છે. આ ઓલિમ્પિકમાં તમામ ચાહકોને આશા હતી કે ટોક્યોની જેમ ભાલા ફેંકની ફાઈનલમાં ભાગ લઈ રહેલા નિરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થશે, પરંતુ મેડલ ઈવેન્ટમાં તેણે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં નિરજે કુલ 6 પ્રયાસોમાં પાંચ ફાઉલ કર્યા હતા પરંતુ તે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટર ભાલો ફેંકવામાં સફળ રહ્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નિરજની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેણે પોતાની ઈજા વિશે પણ વાત કરી હતી.

જ્યારે પણ હું થ્રો કરવા જતો ત્યારે મારું 60-70 ટકા ધ્યાન મારી ઈજા પર હતું.
નિરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ પીટીઆઈને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર હોય છે. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે મારે જે કંઈ કરવું પડ્યું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત દબાણ કરતો હતો.

આ પણ વાંચો: કાવી-કંબોઈમાં આવેલું અનોખું શિવાલય; 7 નદીઓનો સંગમ, બેવાર મંદિર થાય છે ‘જળમગ્ન’

હું પહેલીવાર અરશદ નદીમ સામે હારી ગયો
જેવલિન થ્રોની આ મેડલ ઈવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો, જેણે 92.97 મીટરનો થ્રો ફેંક્યો, જે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ અંતરનો થ્રો પણ હતો. અરશદના આ થ્રો પર નિરજ ચોપરાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું 2010થી અરશદ સામે રમી રહ્યો છું અને આજે પહેલીવાર હાર્યો છું. આ એક રમત છે અને આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. જ્યાં સુધી આપણા શરીરમાં તાકાત છે ત્યાં સુધી અમે એશિયન સર્વોપરિતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. હું શીખ્યો છું કે તમારી માનસિકતા સૌથી મોટી વસ્તુ છે.