NCP નેતા અનિલ પાટીલનો મોટો દાવો, કહ્યુ, ‘પાંચ-છ MVA ધારાસભ્યો મહાગઠબંધનમાં જોડાઈ શકે છે’
મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને બહુમતી મળ્યા બાદ એનસીપી અજીત જૂથના નેતા અને ચીફ વ્હીપ અનિલ પાટીલે મહાવિકાસ અઘાડી વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ મહાવિકાસ અઘાડીની છાવણીમાં અશાંતિ છે. મહાવિકાસ અઘાડીના પાંચથી છ ધારાસભ્યો આગામી કેટલાક મહિનામાં શાસક મહાગઠબંધનમાં જોડાઈ શકે છે.
એક કાર્યક્રમમાં બોલતા અનિલ પાટીલે કહ્યું કે એનસીપી (શરદ), કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ)ના કેટલાક ધારાસભ્યોમાં ભારે અશાંતિ છે. અમારી સાથે સારા સંબંધો ધરાવતા લોકોએ MVAની જંગી હાર પર ચિંતા વ્યક્ત કરી છે. આગામી ચાર મહિનામાં પાંચથી છ ધારાસભ્યો મહાયુતિમાં જોડાય તો નવાઈ નહીં. અનિલ પાટીલ અમલનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.
રાજ્યમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બે મોટા ગઠબંધન વચ્ચે હતો. પરિણામોમાં ભાજપ, શિવસેના અને એનસીપી (અજિત જૂથ)ના ગઠબંધન મહાયુતિને 288 સભ્યોની વિધાનસભામાં 235 બેઠકો મળી છે. ભાજપને સૌથી વધુ 132 બેઠકો મળી છે. ભાજપના સહયોગી શિવસેનાને 57 બેઠકો મળી છે. તો અજિત પવારની એનસીપીને 41 બેઠકો મળી છે. જે બહુમતીના 145ના આંકડા કરતા ઘણો વધારે છે. બીજી તરફ મહાવિકાસ આઘાડીને 54 બેઠકો મળી છે. જેમાં શિવસેના (ઉદ્ધવ)એ 20 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 16 અને NCP (શરદ પવાર) 10 બેઠકો જીતી હતી.
શરદ પવારે હાર સ્વીકારી
અગાઉ, NCP શરદ જૂથના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડીની હાર સ્વીકારી લીધી છે. કરાડમાં શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા નથી. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે અમને ઘણો વિશ્વાસ હતો, પરંતુ મહારાષ્ટ્રના પરિણામો પછી લાગે છે કે હજુ ઘણું કામ કરવાની જરૂર છે. અમે કારણોનો અભ્યાસ કરીશું અને લોકો પાસે જઈશું. આ જનતાનો નિર્ણય છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિની જીતનું કારણ મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી હોઈ શકે છે.