2 કરોડનું દાન મેળવવા જતાં નવસારીની NGOએ 1 કરોડ ગુમાવ્યા, એક શખ્સની ધરપકડ
જીગર નાયક, નવસારી: ધરમ કરતા ધાડ પડે. આ કહેવત નવસારીમાં સાચી સાબિત થઈ છે, સેવાના કામે બે કરોડથી વધુનું દાન મેળવવા જતા નવસારીના NGOને એક કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.
નવસારીની સેવાકીય કામગીરી કરતી NGO સંસ્થાને CSR થકી 2.20 કરોડો આપવાની વાત કરી તેના બદલામાં 1 કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલા આંગડિયા પેઢીમાં સિફતપૂર્વક 1 કરોડની રકમ જમા કરાવી પણ સામે 2.20 કરોડોની રકમ NGO ના ખાતામાં RTGS ન કરતા NGO ના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ટાઉન પોલીસમાં 4 સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી.
નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં કાર્યરત અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન નામની NGO સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. જરૂરિયાતમંદ વૃદ્ધોની ગભિર બીમારીને કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફતે તારીખ 1 થી 10 ની વચ્ચે નિશુલ્ક પહોંચાડવામાં આવે છે. ત્રણ મહિના અગાઉ અનંત પટેલ નામના વ્યક્તિએ આકાશ નામના વ્યક્તિની ફોન પર વાતચીત કરાવી હતી જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી CSR દ્વારા 2 કરોડને 20 લાખ આપવાની વાત કરી હતી પરંતુ સામે કમીશન રૂપે એક કરોડ આંગડિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી.
માત્ર દસ રૂપિયાની નોટ નો સિરિયલ નંબર ફરિયાદીને Whatsapp કરી આંગડિયા માંથી 10 ની નોટ પકડાવી હતી જેના આધારે NGO માં RTGS થયા બાદ આ 10 ની નોટ ઠગબાજોને આપ્યા બાદ જ આંગડિયા માંથી એક કરોડ રૂપિયા ઉપાડવાનું આયોજન થયું હતું, પણ NGOના એકાઉન્ટમાં પૈસા આવ્યા ન હતા. બીજી તરફ ઈન્દોરમાંથી આ એક કરોડ રૂપિયા આબિદ કાચવાલા નામના વ્યક્તિએ ઉપાડતા NGO સંચાલકોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયા બાદ ટાઉન પોલીસ મથકમાં ચાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે આજે આકાશ નામના આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.