વાયરલ થવાની ઘેલછા ભારે પડી, નવસારી પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
જીગર નાયક, નવસારી: ઘણા લોકોને સોશિયલ મીડિયાનું એવું તે ઘેલું લાગેલું હોય છે કે તેઓ પોતાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા માટે અવનવા પેંતરા અપનાવતા હોય છે. ત્યારે, નવસારીથી એક આવી જ ઘટના સામે આવી છે. નવસારીના વેજલપોર વિસ્તારમાં એક શખ્સે જાહેરમાં ન માત્ર કેક કાપી પરંતુ હવામાં એરગનથી ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, જાહેરમાં કેક કાપીને પ્રખ્યાત થવાની ઘેલછા આ શખ્સને ભારે પડી છે. વિડીયો વાયરલ થયા બાદ હવે તેની સામે નવસારી પોલીસે કાર્યવાહી કરી છે.
નવસારીના વેજલપોરના રામનગર વિસ્તારમાં વિરલ માતાજી નામના વ્યક્તિને પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવવાનું ભારે પડ્યું છે. ગત 19 તારીખના રોજ વિરલ માતાજીનો જન્મદિવસ હતો અને એના ભક્તો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડા ફોડતા સાથે હવામાં એર ગનથી ફાયરીગ કર્યું હતું. તલવાર વડે કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી અને કાર્યવાહી કરે છે. પોલીસે વિરલ માં ની તાત્કાલિક અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવામાં ફાયરિંગ કરનાર શખ્સને પણ ઝડપી પાડ્યો છે.