નાસાનો ચોંકાવનારો દાવો – ચંદ્રના અમુક ભાગ પર ચીન કબજો કરવા માગે છે

વોશિંગ્ટનઃ નાસાના વડા બિલ નેલ્સને ચીન વિશે ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, તે (ચીન) અવકાશમાં ગુપ્ત સૈન્ય કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જેથી તેઓ ચંદ્ર પર દાવો કરી શકે. નેલ્સનના જણાવ્યા અનુસાર, તેઓ આ માહિતી છુપાવી રહ્યા છે.
નેલ્સને કહ્યુ છે કે, ચીને હંમેશા એ વાત જાળવી છે કે, અવકાશમાં તેની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. તેનો હેતુ કોઈપણ રીતે અતિક્રમણ કરવાનો નથી. પરંતુ ચીનના ઈરાદા અલગ છે. અમને લાગે છે કે, ચીને અવકાશના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે, પરંતુ તેના મોટાભાગના કાર્યક્રમો ગુપ્ત રહ્યા છે. અમેરિકા અને ચીન બંને ચંદ્ર પર કાયમી બેઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષે માર્ચમાં ચીની વૈજ્ઞાનિકોએ ડિઝનીલેન્ડના કદના ચંદ્ર આધાર બનાવવાની જાહેરાત કરી હતી.
અમેરિકા ચીનને એક મહત્વપૂર્ણ પ્રતિસ્પર્ધી માને છે
નેલ્સને કહ્યુ કે, ચીનના ઈરાદાથી એવું લાગે છે કે તે ચંદ્રના કેટલાક ભાગો પર કબજો કરવા માગે છે. અમે રેસમાં છીએ. 2030 સુધીમાં ચંદ્ર પર ઉતરવાની તૈયારી છે. અમે ત્યાં જલ્દી પહોંચવા માગીએ છીએ. આર્ટેમિસ III સપ્ટેમ્બર, 2026માં લોન્ચ કરવામાં આવશે. ખરેખર અમેરિકા હંમેશા ચંદ્રને લઈને ચિંતિત રહે છે. તે ચીનને પોતાનો સૌથી મહત્વપૂર્ણ હરીફ માને છે. પરંતુ નેલ્સનનો દાવો છે કે, અમેરિકા ચીન કરતાં ઘણું આગળ છે. તેમણે કહ્યું કે, જો ચીન પહેલા ત્યાં પોતાનું બેઝ બનાવવાનું શરૂ કરે તો તે ચંદ્રના કેટલાક હિસ્સા પર દાવો કરી શકે છે. નાસા આને લઈને ચિંતિત છે. કારણ કે ચીને 2022માં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી લીધું છે. આ સાથે તેણે તેના ઉપગ્રહોની સંખ્યા બમણી કરી દીધી છે.
ચીને છેલ્લા ચાર વર્ષમાં સ્પેસ મિશનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. યુએસ સ્પેસ ફોર્સના કમાન્ડરે ચીનના ટ્રેકિંગ સેટેલાઇટ વિશે ચેતવણી આપી છે. તેનો ઉપયોગ સૈન્ય કામગીરી પર નજર રાખવા માટે થઈ શકે છે. ચીન વિશાળ જાસૂસી બલૂન અને હાઇપરસોનિક મિસાઇલ પણ વિકસાવી રહ્યું છે.