એરપોર્ટ બનાવવા જમીન ન આપવા ચાર ગામના ગ્રામજનોનો નિર્ણય
પ્રવિણ પટવારી, નર્મદાઃ જિલ્લાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામના લોકોએ ગ્રામસભા બોલાવી જમીન સંપાદન નહીં કરવાનો અને જમીન નહીં આપવાનો ઠરાવ કરી એરપોર્ટનો વિરોધ કર્યો છે. તો બીજી તરફ વર્ષો જૂની રાજપીપળાને એરપોર્ટ ન મળતા વિવિધ વેપારી મંડળના વેપારીઓએ રાજપીપળામાં જ એરપોર્ટ બનાવવાની માગ સાથે કલેકટર નર્મદાને આવેદન આપ્યું હતું.
સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે એરપોર્ટની સુવિધા મળે તે માટે નર્મદાના તિલકવાડા તાલુકાના ચાર ગામ ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામ પાસે જમીન સંપાદન કરી સ્ટેચ્યુથી 12 કિમી દૂર આવેલા તિલકવાડા તાલુકામાં એરપોર્ટ બનાવવા સરકારે મંજૂરી આપી છે. પરંતુ આ ચાર ગામના લોકોએ અહીં એરપોર્ટ બનાવવા સામે વિરોધ કર્યો છે.
આ ચાર ગામના લોકોએ ભાદરવામાં ગ્રામસભા બોલાવીને એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટેનો ઠરાવ કરી વિરોધ કર્યો છે. ચાર ગામના લોકોએ બાપદાદાની જમીન છે. આ જમીન નહીં આપવા માટે ખાસ ગ્રામસભા બોલાવી હતી. નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે એરપોર્ટની જાહેરાત કર્યા પછી ચાર ગામના લોકોએ ભાદરવામાં ગ્રામસભા બોલાવીને એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે વિરોધ કર્યો છે.
તો બીજી તરફ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ એરપોર્ટ તિલકવાડા લઈ જવાતા રાજપીપળાને અન્યાય થઈ રહ્યો હોવાનું કતહી વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓએ રાજપીપળામાં એરપોર્ટ બને તો વિકાસ થાય એવી માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
એકબાજુ તિલકવાડા તાલુકામાં એરપોર્ટ માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળામાં વર્ષો જૂની એરપોર્ટની માગ ન સંતોષાતા રાજપીપળાવાસીઓ નારાજ છે.