June 30, 2024

‘Modi કેબિનેટ 3.0’માં 7 મહિલા મંત્રી, પ્રથમવાર ચૂંટાયેલા ગુજરાતી સાંસદ સામેલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત રચાયેલી NDA સરકારની કેબિનેટમાં સાત મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. વડાપ્રધાને ફરી એકવાર પૂર્વ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો છે. સીતારમણ ઉપરાંત પૂર્વ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાયેલા અનુપ્રિયા પટેલ અને કર્ણાટકમાંથી ચૂંટાયેલા શોભા કરંદલાજેને ફરી એકવાર કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલીવાર મંત્રી બનનારા મહિલા નેતાઓમાં 37 વર્ષીય રક્ષા ખડસેનું નામ પણ સામેલ છે. તેઓ આ કેબિનેટમાં સૌથી યુવા મહિલા મંત્રી હોવાના કારણે પણ ચર્ચામાં છે. આ ઉપરાંત સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણીયાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણઃ
વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પૂર્વ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેમને ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકી હુમલાના ગુનેગારોને છોડવામાં નહીં આવે: અમિત શાહ

અન્નપૂર્ણા દેવીઃ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) છોડીને પાંચ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયેલા અન્નપૂર્ણા દેવીને ફરી એકવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. ઝારખંડની કોડરમા બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા અન્નપૂર્ણા દેવીની ગણતરી ભાજપના મજબૂત મહિલા નેતામાં થાય છે.

શોભા કરંદલાજેઃ
કર્ણાટકમાંથી ચૂંટાયેલા ભાજપના મહિલા સાંસદ શોભા કરંદલાજેને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની નજીકના ગણવામાં આવે છે. તેમને ફરી એકવાર કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં શોભાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેમજ ખાદ્ય અને પ્રસંસ્કરણ મંત્રાલય સંભાળ્યું હતું.

આ પણ વાંચોઃ મુસ્લિમ મુક્ત થઈ ભારત સરકાર, આઝાદી પછી મોદી રાજમાં પહેલી વખત આવું બન્યું

રક્ષા ખડસેઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા રક્ષા ખડસે બીજા સૌથી યુવા મંત્રી છે. તેઓ 37 વર્ષનાં છે અને તેણે B.Sc સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેની પહેલાં રામ મોહન નાયડુ (36 વર્ષ) સૌથી યુવા મંત્રી છે. રક્ષા ખડસે માત્ર 26 વર્ષની વયે પહેલીવાર સાંસદ બન્યા હતા. તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા એકનાથ ખડસેના પુત્રવધૂ છે. તેમના લગ્ન નિખિલ ખડસે સાથે થયા હતા. પરંતુ નિખિલે 2013માં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી.

અનુપ્રિયા પટેલઃ
ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી નવા ચૂંટાયેલા લોકસભા સાંસદ અને અપના દળના (સોનેલાલ) નેતા અનુપ્રિયા પટેલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યાં છે. અનુપ્રિયા અગાઉ પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.

સાવિત્રી ઠાકુરઃ
સાંસદ સાવિત્રી ઠાકુરનો જન્મ 1 જૂન 1978ના રોજ થયો હતો. તેમણે આરએસએસની (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પૃષ્ઠભૂમિમાંથી આવે છે. મધ્યપ્રદેશની ધાર લોકસભા બેઠક પરથી બે લાખથી વધુ મતોથી જીતેલા સાંસદ સાવિત્રી ઠાકુરને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મોદી 3.0માં તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં સાવિત્રીએ કોંગ્રેસના ઉમેદવાર રાધેશ્યામ મુવેલને કારમી હાર આપી હતી.

નિમુબેન બાંભણિયાઃ
ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના (BJP) 57 વર્ષીય સાંસદ નિમુબેન બાંભણિયાનો પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નિમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. તેમણે આમ આદમી પાર્ટીના (AAP) ઉમેશ મકવાણાને 4.55 લાખ મતના જંગી અંતરથી હરાવ્યા છે. તેમણે 2009-10 અને 2015-18 વચ્ચે ભાવનગરના મેયર તરીકે પણ સેવા આપી હતી. બાંભણિયા પહેલા શિક્ષક હતા, ત્યારબાદ 2004માં ભાજપમાં જોડાયા હતા અને 2013થી 2021 વચ્ચે ભાજપ મહિલા મોરચાના ગુજરાતના ઉપપ્રમુખ હતા. બાંભણિયા ઓબીસી કોળી સમાજના છે. તેમના પતિ ભાવનગરમાં શાળા ચલાવે છે.