September 16, 2024

CM યોગીનો મોટો નિર્ણય: કાવડ રૂટ પરની દુકાનો ફરજિયાત લખવું પડશે માલિકનું નામ

કાવડ યાત્રા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રિકોને લઈને મોટો નિર્ણય લીધો છે. સીએમ યોગીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો પર ફરજિયાત દુકાનના માલિકનું નામ અને ઓળખ લખવી ફરજિયાત છે. તેમણે વધુમાં કહ્યું છે કે કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હલાલ સર્ટિફિકેશન વાળી પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.

ગુડ્ડુ, મુન્ના, છોટુ અથવા ફતે જેવા નામોથી કઈ ઓળખ ખબર પડશે?: અખિલેશ યાદવ
સપા સુપ્રીમો અખિલેશ યાદવે આરોપ લગાવ્યો છે કે ભાજપ સામાજિક સદભાવનાની દુશ્મન છે. સમાજમાં ભાઈચારો ખંડિત કરવાનો કોઈને કોઈ રસ્તો શોધતી જ રહે છે. ભાજપની આ વિભાજનકારી નીતિઓને કારણે રાજ્યનું સામાજિક વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે કાવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસે નવો આદેશ જાહેર કર્યો છે કે લારી-ગલ્લા વાળાઓ સહિત તમામ દુકાનદારોએ તેમના નામ લખવા પડશે. તેની પાછળ સરકારનો ઈરાદો લઘુમતી વર્ગને સમાજથી અલગ કરીને શંકાના ઘેરામાં લાવવાનો છે. જેમનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફતે હોય તેમના નામ પરથી શું ખબર પડશે કે તે કોણ છે? અખિલેશે કહ્યું કે ભાજપની નીતિ અને ઈરાદા બંને વિભાજનકારી છે અને જનતા તે સમજી ગઈ છે. જે જનતા સમજી ગઈ છે. આખીલેશે માંગ કરી કે અદાલતે સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને વહીવટીતંત્ર પાછળના ઈરાદાઓની તપાસ કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.

મુઝફ્ફરનગર પોલીસનો આદેશ બગડી શકે છે માહૌલ: માયાવતી
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે કાવડ યાત્રાના રસ્તાઓ પર આવેલી દુકાનો પર નામ લખવાના મુઝફ્ફરનગર પોલીસનો આદેશ ખોટી પરંપરા છે. આ આદેશથી સદભાવનાનો માહૌલ બગાડી શકે છે. જનહિતમાં પ્રદેશ સરકારે આ આદેશને તુરંત પરત લેવો જોઈએ. બસપા સુપ્રીમોએ ગુરુવારે ટ્વિટર (X) પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે પશ્ચિમ યુપી અને મુઝફ્ફરનગરના કાવડ યાત્રા રૂટમાં આવતી તમામ હોટલો, દુકાનો, ઢાબા, લારી ગલ્લા સહિતની દુકાનોના માલિકોએ દુકાન બહાર માલિકનું પોતાનું આખું નામ લખવું ફરજિયાત કરવાનો નવો સરકારી આદેશ એક ખોટી પરંપરા છે. તો બીજી બાજુમાં તેમણે સંભલ જિલ્લામાં સ્કૂલના બાળકોને જૂતાં ઉતારવાના મામલે જણાવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી બેઝિક સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બૂટ-ચપ્પલ ઉતારીને જવાનો અનુચિત આદેશ પણ ચર્ચામાં છે. આ મામલે પણ રાજ્ય સરકારે તુરંત પગલાં લેવા જોઈએ.