નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા, 194મા સમાધિ મહોત્સવની ઉજવણી

યોગીન દરજી, નડિયાદઃ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહાજના 194મા સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકવાયકા છે કે, 194 વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવતા સમાધિ લીધી હતી. તે સમયે દેવોએ આકાશમાંથી પુષ્પવર્ષા સાથે સાકરવર્ષા કરી હતી. જેની યાદમાં દર વર્ષે મંદિર પરિસરમાં મહા સુદ પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે.
આ પ્રસંગે 3500 કિલો સાકર અને કોપરાનો પ્રસાદ મીક્સ કરી તેને ઉછાળવામાં આવે છે. જે પ્રસાદને ઝીલવા માટે ભક્તો રીતસરની પડાપડી કરતા હોય છે. ફક્ત 2 મિનિટમાં અહીં આવેલા હજારો ભક્તો 3500 કિલો જેટલો પ્રસાદ ઝીલી લેતા હોય છે. ના ફક્ત સામાન્ય લોકો પરંતુ વિદેશમાં રહેતા NRI ભક્તો પણ આ પ્રસાદ ઝીલવા માટે અહીં પહોંચી જાય છે.
મહત્વની બાબત છે કે, શ્રી સંતરામ મહારાજના સમાધિ વર્ષ નિમિત્તે નડિયાદ શહેરમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્રણ દિવસ સુધી યોજાતા આ મેળામાં લાખો લોકો આવતા હોય છે અને મેળાનો આનંદ પણ માણતા હોય છે.