January 24, 2025

નડ્ડાનો AAP પર પ્રહાર, કહ્યું- ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતના નામે સરકાર બનાવી, કૌભાંડના રેકોર્ડ તોડ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: દિલ્હી ચૂંટણીને લઈને રાજધાનીમાં રેલી અને જલસભાઓ યોજાઈ રહી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ઉત્તમ નગરથી ભાજપના વિધાનસભા ઉમેદવાર પવન શર્માના સમર્થનમાં જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે વર્તમાન દિલ્હી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક આક્ષેપો કર્યા હતા. પોતાના સંબોધનની શરૂઆત કરતા નડ્ડાએ કહ્યું કે, આજે હું અહીં તમારા બધામાં જે ઉત્સાહ જોઉં છું તે સ્પષ્ટ કરે છે કે તમે કમળ ખીલવાનો સંકલ્પ કર્યો છે. આ સાથે તમે આમ આદમી પાર્ટી (AAP-DA)ને ઉખાડી નાખવાનો સંકલ્પ પણ લીધો છે.

કેજરીવાલે શીશ મહેલ બનાવ્યો, અમે લોકો માટે ઘર બનાવ્યા. જેમાં દિલ્હીમાં 30 હજાર મકાનો બનાવવામાં આવ્યા છે.

AAPએ ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
જે.પી નડ્ડાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આમ આદમી પાર્ટીએ જે રીતે દિલ્હીમાં ભ્રષ્ટાચાર કર્યો, તે રીતે હું કહી શકું છું કે આ AAP-DA સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી મોટી વાત એ છે કે જે ભ્રષ્ટાચાર સામે લડવાના નામે સરકારમાં આવ્યા તેમણે જ ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

આ AAP-DA સરકારે શિક્ષણની વાત કરી, પરંતુ શિક્ષણ છોડીને દારૂના કૌભાંડમાં ફસાઈ ગઈ અને 2,800 કરોડનું કૌભાંડ કર્યું. એ જ રીતે તેમણે પાણી આપવાની વાત કરી, પરંતુ તેમણે ક્યારેય દિલ્હીના લોકોને શુદ્ધ પાણી ન આપ્યું અને જલ બોર્ડમાં 28 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું.

300 કરોડનું દવા કૌભાંડ
AAP-DA સરકારે 300 કરોડનું દવા કૌભાંડ કર્યું. તેમણે 1300 કરોડ રૂપિયાના સ્કૂલ અને ક્લાસરૂમ કૌભાંડની વાત કરી. એટલું જ નહીં, 500 કરોડનું પેનિક બટન કૌભાંડ, 5,400 કરોડનું રેશનકાર્ડ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બસોની ખરીદીમાં રૂ.4,500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. AAP-DA સરકારે દરેક જગ્યાએ માત્ર કૌભાંડો કર્યા.

યમુનાની સફાઈના નામે 700-800 કરોડનું કૌભાંડ
એ જ રીતે AAP-DA સરકારે યમુનાની સફાઈની વાત કરી અને યમુનાની સફાઈના નામે 700-800 કરોડનું કૌભાંડ કર્યું. ખોટું બોલવાનો રેકોર્ડ જો કોઈએ બનાવ્યો હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. હું કહેવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષોમાં દિલ્હીમાં વિકાસના સંદર્ભમાં જે પણ કામ થયું છે તેમાં PM નરેન્દ્ર મોદીનું યોગદાન છે. PM મોદી દ્વારા અહીં 300થી વધુ ઇલેક્ટ્રિક બસો આપવામાં આવી છે અને ડિસેમ્બર 2025 સુધીમાં 2026 નવી બસો આપવામાં આવશે. PM નરેન્દ્ર મોદીએ રેપિડ રેલ પણ શરૂ કરી છે.