December 18, 2024

મારું સર્વર… લેપટોપ-સ્માર્ટફોન હેક કરવામાં આવ્યું, સામ પિત્રોડાએ લગાવ્યા મોટા આરોપ

Sam Pitroda: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં મારું સર્વર વારંવાર હેક કરવામાં આવ્યું છે. મારું લેપટોપ, સ્માર્ટફોન અને સર્વર હેક કરવામાં આવ્યું છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

હેકર્સે ધમકી આપી છે અને ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલરની ચુકવણીની માંગણી કરી છે. આ સાથે એવી પણ ચેતવણી આપી છે કે જો પેમેન્ટ નહીં કરવામાં આવે તો તેઓ મારા નેટવર્કના લોકોનો સંપર્ક કરીને મારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરશે અને ખોટી માહિતી ફેલાવશે.

આ પણ વાંચો: પૂર્વ IPS હસમુખ પટેલના નામે નકલી એકાઉન્ટ, ટેલિગ્રામ પર લોકોને છેતરવાનો પ્રયાસ

સામ પિત્રોડાએ સૌને આ અપીલ કરી હતી
પિત્રોડાએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો તમને કોઈ અજાણ્યા ઈમેલ/મોબાઈલ નંબર પરથી મારા વિશે કોઈ ઈમેલ કે મેસેજ મળે છે, તો હું તમને વિનંતી કરું છું કે તેને ન ખોલો, કોઈ પણ લિંક પર ક્લિક ન કરો અને કોઈપણ એટેચમેન્ટ ડાઉનલોડ ન કરો કારણ કે તેમાં માલવેર હોઈ શકે છે. તમારા ઉપકરણ સાથે ચેડા થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે હું અત્યારે મુસાફરી કરી રહ્યો છું. પરંતુ જ્યારે હું શિકાગોથી પરત ફરીશ ત્યારે હું આ અંગે તાત્કાલિક પગલાં લઈશ. હું જૂના હાર્ડવેરને બદલીશ, સોફ્ટવેરને અપગ્રેડ કરીશ અને મારી ડિજિટલ હાજરી માટે વધુ મજબૂત પગલાં લઈશ.