મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે માગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Supreme Court: આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ માટે પોતાના પતિ વિરુદ્ધ અરજી કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે ચુકાદો આપતાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તેઓ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેની અરજી દાખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તે કોઈપણ ધર્મની હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો સહારો લઈ શકે છે. કોર્ટે એકવાર ફરી જણાવ્યું કે મુસ્લિમ મહિલા તેના પતિ વિરુદ્ધ કલમ 125 CrPC હેઠળ ભરણપોષણ માટે અરજી કરી શકે છે. જોકે, જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે અલગ અલગ ચુકાદા આપ્યા પરંતુ બનેનું મંતવ્ય સમાન જ હતું.
શું મુસ્લિમ મહિલાઓને નહોતું મળતું ભરણપોષણ?
ઘણા કેસમાં છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું મળી શકતું નથી અથવા જો તે મળે છે તો પણ તે ઇદ્દતના સમયગાળા સુધી જ મળે છે. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ પરંપરા મુજબ, જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અથવા તેનું મૃત્યુ થાય છે, તો તે મહિલા ‘ઇદ્દત’ના સમયગાળા દરમિયાન ફરીથી લગ્ન કરી શકશે નહીં. ઇદ્દતનો સમયગાળો લગભગ 3 મહિનાનો હોય છે. આ સમયગાળો પૂરો થયા બાદ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરી શકે છે.
શું છે સમગ્ર કેસ?
અબ્દુલ સમદ નામના એક મુસ્લિમ શખ્સે તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા CrPCની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. એવામાં, કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986ને પ્રાથમિકતા આપવી જોઈએ કે CrPCની કલમ 125.
શું છે CrPCની કલમ 125?
CrPCની કલમ 125 પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ અંગે વિસ્તૃત જાણકારી આપે છે. આ કલમ મુજબ, પતિ, પિતા અથવા બાળકો પર નિર્ભર પત્ની, માતા-પિતા અથવા બાળકો ત્યારે જ ભરણપોષણનો દાવો કરી શકે છે જ્યારે તેમની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય.