દારૂ પીવા માટે પૈસા ના આપ્યા તો કરી નાખી હત્યા, લોકોએ ફાંસી આપવા રજૂઆત કરી

અમિત રૂપાપરા, સુરત: સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લક્ષ્મણનગર નજીક પરેશ વાઘેલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. ત્યારે પ્રભુ મદ્રાસીએ પરેશ વાઘેલાને ચપ્પુના ધા જીકી તેની હત્યા કરી એક રીક્ષા ચાલક પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી છે. તો બીજી તરફ દેવીપુજક સમાજના લોકો દ્વારા મોડી રાત્રે અને સવારના સમયે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને ત્યાર બાદ રસ્તા પર ચક્કાજામ કરી પ્રભુ મદ્રાસીને ફાંસી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લક્ષ્મણ નગર નજીક પ્રભુ મદ્રાસી નામના ઈસમ દ્વારા પરેશ વાઘેલા પાસેથી દારૂ પીવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. પરેશ વાઘેલાએ પ્રભુ મદ્રાસીને પૈસા આપવાની ના પાડી હતી અને બસ આ વાતને લઈને રોષે ભરાયેલા પ્રભુ મદ્રાસી દ્વારા પરેશ વાઘેલા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પરેશ વાઘેલા પર હુમલો કર્યા બાદ પ્રભુ મદ્રાસી ધીરેન્દ્ર નામના રીક્ષા ચાલક પાસે ગયો હતો અને રીક્ષામાં આગળ ઉતારવા માટે જણાવ્યું હતું. ધીરેન્દ્રએ પ્રભુને રિક્ષામાં બેસવાની ના પાડી તેથી રોષે ભરાયેલા પ્રભુ મદ્રાસીએ ધીરેન્દ્ર નામના રીક્ષા ચાલક પર હુમલો કરી દીધો હતો અને તેને પણ ચપ્પુના ઘા મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પરેશ વાઘેલા અને રિક્ષાચાલક ધીરેન્દ્રને સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરેશ વાઘેલાનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને લઈને દેવીપુજક સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે દેવીપુજક સમાજના લોકો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સુરતના વરાછા, પુણા અને સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયો હતો અને મામલો થાળે પાડવા ડીસીપી, એસસીપી સહિતના અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી પોલીસ દ્વારા પ્રભુ મદ્રાસીની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ વહેલી સવારે ફરીથી દેવીપુજક સમાજના લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કરવા પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યું હતું અને અત્યારે આ પ્રભુ મદ્રાસીને ફાંસી આપવાની માગણી કરતા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસની સમજાવટ પછી દેવીપુજક સમાજના લોકો પોલીસ સ્ટેશનથી ચાલ્યા ગયા હતા અને લક્ષ્મણનગર નજીક ફરીથી રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યા હતા અને પ્રભુ મદ્રાસીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. તો બીજી તરફ દેવીપુજક સમાજના લોકોના વિરોધને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની પોલીસની અલગ અલગ ટીમો પણ ઘટના ચડે પહોંચી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દેવીપુજક સમાજના લોકોમાં રહેલી રોષની લાગણીને જોઈને પોલીસ દ્વારા પણ સમાજના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં હત્યારા સામે કાયદાની કડકમાં કડક કલમોનો ઉમેરો કરવામાં આવશે પોલીસની સમજાવટ બાદ લોકોમાં રહેલો રોષ શાંત થયો હતો.