November 25, 2024

Mumbai BMW Hit and Run Case: શિવસેનાના નેતાના પુત્ર મિહિર શાહની ધરપકડ

Mumbai BMW Hit and Run Case: મુંબઈના વર્લી હિટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. મિહિર શાહની માતા અને બહેનની પણ પોલીસે અટકાયત કરી છે. મુંબઈ પોલીસે આરોપી મિહિરને પકડવા માટે પાંચ ટીમો બનાવી હતી.

હકિકતે, સત્તાધારી શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહ પર BMW કારથી એક મહિલાને કચડી નાખવાનો આરોપ છે. 24 વર્ષીય મિહિરે રવિવારે (7 જુલાઈ) સવારે વર્લીના એટ્રિયા મોલ પાસે તેના સફેદ BMW સાથે સ્કૂટરને ટક્કર મારી હતી.

પ્રદીપ નખવા (50) સ્કૂટર ચલાવી રહ્યા હતા અને તેમની પત્ની કાવેરી (45) પાછળ બેઠી હતી. અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત કારને પોલીસે અકસ્માત સ્થળથી લગભગ 10 કિમી દૂર રીકવર કરી હતી. મિહિર જુહુમાં એક પાર્ટીમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે મિહિર શાહની ધરપકડ કરી છે. આ પહેલા સોમવારે આરોપી મિહિર શાહ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો બનાવી હતી.

અગાઉ આ કેસમાં આરોપીના પિતા રાજેશ શાહ અને તેના ડ્રાઈવર રાજેન્દ્ર સિંહ બિદાવતની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સોમવારે (8મી જુલાઈ) બંનેને મુંબઈની શિવડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જામીન મળી ગયા હતા.