September 12, 2024

દુનિયાભરમાં ફેલાઈ નવી મહામારી! આફ્રિકાથી પાકિસ્તાન સુધી કહેર, શું તેની વેક્સિન છે?

Mpox Health Emergency: વિશ્વમાં કોરોના વાયરસના કેસ પૂરા નથી થયા ત્યાં વઘુ એક નવા વાયરસે દુનિયાને બાનમાં લીધી છે. WHOએ Mpoxને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. કારણ કે આ રોગ ઘણા દાયકાઓ સુધી આફ્રિકન દેશો સુધી મર્યાદિત હતો અને હવે અન્ય દેશોમાં ફેલાવવા લાગ્યો છે. તાજેતરમાં પાકિસ્તાન અને સ્વીડનમાં MPOXના નવા સ્ટ્રેન ક્લેડ Ibના કેસ મળી આવ્યા છે. તેના કારણે અન્ય દેશોમાં તણાવ વધ્યો છે. WHO અનુસાર, જો એમપીઓક્સને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો તે નવી રોગચાળાની સ્થિતિનું નિર્માણ કરી શકે છે.

WHOના રિપોર્ટ અનુસાર, MPoxને પહેલા મંકીપોક્સ કહેવામાં આવતું હતું. આ એક વાયરલ ચેપ છે, જે વાયરસ દ્વારા ફેલાય છે. 1970ના દાયકાથી આફ્રિકન દેશોમાં તેના કેસ દેખાવા લાગ્યા અને આ રોગ આફ્રિકન ખંડ પૂરતો મર્યાદિત હતો. જો કે, હવે આ ચેપ અન્ય દેશોમાં પણ ફેલાવવા લાગ્યો છે. આ વાયરસ સૌથી પહેલા વાંદરાઓમાં જોવા મળ્યો હતો. તેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું હતું. એમપોક્સના લક્ષણો ફ્લૂ જેવા છે. જ્યારે કોઈને ચેપ લાગે છે ત્યારે ખૂબ તાવ, ઉધરસ અને શરદી, શરીરમાં દુખાવો અને ભારે થાકથી પીડાય છે. તેમજ ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.

એમપોક્સ ચેપ ચેપગ્રસ્ત મનુષ્યોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. તે જાતીય રીતે પ્રસારિત થાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં, પથારી અને અન્ય વસ્તુઓના સંપર્કને કારણે તેના ફેલાવાના કિસ્સાઓ પણ છે. આફ્રિકામાં મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓનાં સંપર્ક દ્વારા ફેલાય છે. WHOએ Mpoxને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) જાહેર કરી છે. આ એ વાતનો સંકેત છે કે વૈશ્વિક સ્તરે MPOXની સ્થિતિ ગંભીર બની ગઈ છે અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

ગે લોકોને મંકીપોક્સનું જોખમ વધુ હોય છે, જેમાં પુરુષો પુરુષો સાથે સેક્સ કરે છે. એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો ધરાવે છે, તેમને પણ વધુ જોખમ રહેલું છે. વર્તમાન માહિતી અનુસાર, આ ચેપ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થઈ રહ્યો છે. Mpox કોરોનાવાયરસ કરતાં ધીમી ગતિએ ફેલાય છે, પરંતુ તે ખૂબ જીવલેણ હોઈ શકે છે. જાન્યુઆરી 2023માં આ રોગ ફાટી નીકળ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં mpoxનાં 27,000 કેસ નોંધાયા છે અને 1,100 મૃત્યુ પામ્યાં છે. આ પછી આ રોગ બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડામાં પણ ફેલાઈ ગયો.

Mpox શીતળા જેવો દેખાય છે અને તે 2થી 4 અઠવાડિયા સુધી ટકી શકે છે. જ્યારે લોકોને એમપોક્સ હોય છે, ત્યારે તેમના ચહેરા, પગ, કમર અને શરીરના અન્ય ભાગો પર મોટા ફોલ્લાઓ નીકળે છે. આ રોગમાં તાવ અને પીડાને દૂર કરવા માટે દવાઓ આપવામાં આવે છે અને મોટાભાગના લોકો થોડા અઠવાડિયામાં જાતે જ સ્વસ્થ થઈ જાય છે. જો કે, કેટલાક લોકોમાં Mpox જટિલતાઓનું કારણ બની શકે છે અને મૃત્યુ તરફ દોરી શકે છે. ટેકોવિરિમેટ, શીતળાની સારવાર માટે બનાવેલી એન્ટિવાયરલ દવા, યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા જાન્યુઆરી 2022માં એમપોક્સની સારવાર માટે મંજૂર કરવામાં આવી હતી.

ડબ્લ્યુએચઓ કહે છે કે, આવી દવાઓ સામાન્ય રીતે દુર્લભ કિસ્સાઓમાં આપવામાં આવે છે. એમપીઓક્સ માટે ત્રણ રસીઓ પણ છે – MVA-BN, LC16 અને Orthopoxvac. આ રસીઓ સૌપ્રથમ શીતળાનો સામનો કરવા માટે વિકસાવવામાં આવી હતી. ડબ્લ્યુએચઓ કહે છે કે, માત્ર ઉચ્ચ જોખમ ધરાવતા લોકો અને એમપોક્સથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં હોય તેવા લોકોએ જ રસી લેવી જોઈએ. આ રસી એમપોક્સ સામે રક્ષણ આપી શકે છે. WHO એ તમામ લોકોને એમપોક્સથી બચવા માટે રસી લેવાની સલાહ આપી નથી.