December 24, 2024

અટલ ટનલમાં 1000 વાહનો ફસાયાં, બરફમાં ગાડીઓ લપસી; રેસ્ક્યૂ ચાલુ

મનાલીઃ અટલ ટનલ અને ધુંધીમાં હિમવર્ષાથી પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. સોમવારે સાંજે હિમવર્ષા બાદ પ્રવાસીઓ મનાલી પરત ફરવા લાગ્યા ત્યારે રસ્તા પર જમા થયેલા બરફમાં વાહનો લપસવા લાગ્યા હતા. સાઉથ પોર્ટલથી અટલ ટનલના નોર્થ પોર્ટલ સુધી એક હજારથી વધુ પ્રવાસી વાહનો બરફમાં ફસાયા હતા. પોલીસે વાહનોનો જામ હટાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. દરેકને એકપછી એક મનાલી તરફ મોકલવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, અહીં સોમવાર સવારથી વાતાવરણ ખરાબ હતું. બપોરે અટલ ટનલ અને ધુંધીમાં હિમવર્ષા શરૂ થઈ હતી. સાંજે ભારે હિમવર્ષા પછી મનાલી પોલીસે સોલંગનાલાથી આગળ વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. પરંતુ સવારે જ્યારે લાહૌલ ગયેલા પ્રવાસીઓ પાછા ફરવા લાગ્યા, ત્યારે તેઓ અટલ ટનલના સાઉથ પોર્ટલથી ધુમ્મસવાળા વિસ્તારમાં બરફમાં લપસવા લાગ્યા હતા. જેના કારણે વાહનો એકબીજા સાથે અથડાય તેવી દહેશત હતી.

પોલીસે એકપછી એક વાહનોને બહાર કાઢીને બચાવ કામગીરી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધુંધી પુલથી સોલંગનાલા તરફ સેંકડો વાહનો મોકલવામાં આવ્યા છે. પરંતુ સાઉથ પોર્ટલથી ધુંધી સુધીના પંથકમાં હજુ પણ વધુ વાહનો ફસાયેલા છે. જેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ડીએસપી મનાલી કેડી શર્માએ જણાવ્યું કે, હિમવર્ષા ચાલુ છે. હિમવર્ષા વચ્ચે સૈનિકો પ્રવાસીઓના વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે. અટલ ટનલથી સોલંગનાલા સુધી એક હજારથી વધુ વાહનો ફસાયા છે.